અમદાવાદ-

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યુ છે. હવે કાંકરીયા ઝુનું નામ નરેન્દ્ર ઝુ કરવા માટે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ માંગ કરી છે. જિગ્નેશ મેવાણીએ ટ્‌વીટ કરતા નરેન્દ્ર મોદીને ભલામણ કરી છે કે કાંકરીયા ઝુનું નામ પણ બદલવામાં આવે અને તેની જગ્યાએ નરેન્દ્ર ઝુ કરવામાં આવે. વડગામના ધારાસભ્યએ સાથે જ અન્ય એક ટ્‌વીટમાં કહ્યુ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના બે મુખ્ય પેવેલિયનના નામ અદાણી અને અંબાણી છે.

આ કેવો કોઇન્સીડેન્સ છે. પાટીદાર અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્‌વીટ કરી સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ભુસવામાં આવતા અપમાન ગણાવ્યુ હતું. વિશ્વના સૌથી મોટા અમદાવાદ સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યુ છે, શું આ સરદાર પટેલનું અપમાન નથી? સરદાર પટેલના નામ પર મત માંગનારી ભાજપ હવે સરદાર સાહેબનું અપમાન કરી રહી છે. ગુજરાતની જનતા સરદાર પટેલનું અપમાન નહી સહે. અન્ય એક ટ્‌વીટમાં હાર્દિક પટેલે કહ્યુ કે, “ભારત રત્ન, લોહ પુરૂષ સરદાર પટેલે આરએસએસ પર પ્રતિબંધ મુક્યો હતો અને આ કારણે આરએસએસના ચેલા સરદાર પટેલનું નામ મિટાવવાનો દરેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે. બહારથી મિત્રતા પણ અંદરથી દુશ્મની. આ વ્યવહાર ભાજપનો સરદાર પટેલ સાથે છે. એક વાત યાદ રાખો કે સરદાર પટેલનું અપમાન ભારત નહી સહે.