07, ઓગ્સ્ટ 2025
વડોદરા |
2871 |
ગુજરાતમાં કદાચ આ પ્રકારનો પહેલો કેસ, સામાજિક વનીકરણ વિભાગ માટે મહત્વનો કેસ..
વડોદરાના ચિખોદ્રા ગ્રામ્ય હદમાં બુધવારે મીઠા પાણીના તળાવના કિનારે એક દુર્લભ અલ્બીનો ઇન્ડિયન ફ્લૅપશેલ ટર્ટલ) જોવા મળ્યો હતો, જેને સ્થાનિક લોકોએ સામાજિક વનીકરણ વિભાગને જાણ કરી બચાવાયો હતો. આ દુર્લભ પીળા રંગના બાળ કાચબાને વન વિભાગે સુરક્ષિત રીતે બચાવી વડોદરાના કમાટીબાગ પાસે આવેલા કેન્દ્રમાં લાવવામાં આવ્યો છે.
અલ્બીનો કાચબાને જોઈને આસપાસના ગ્રામજનોમાં ઉત્સુકતા ફેલાઈ ગઈ હતી. સામાન્ય રીતે જોવા મળતા કાચબા કરતા કંઈક અલગ ફ્લૅપશેલ ટર્ટલ અહીં ચટક પીળા રંગમાં જોવા મળતા લોકો ચકિત થઈ ગયા.
વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે, અમને ચિખોદ્રામાંથી ફોન મળ્યો કે તળાવ પાસે એક અજોડ રંગનો કાચબો દેખાયો છે. અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને કાચબાને સુરક્ષિત રીતે લાવી કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. આ અલ્બીનો ફ્લૅપશેલ ટર્ટલ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે અને ગુજરાતમાં કદાચ આ પ્રકારનો પહેલો કેસ હોઈ શકે.તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ આ કાચબાનું સંરક્ષણ અને યોગ્ય સારવાર શરૂ કરવામાં આવી છે અને આગળના પગલાં માટે જિલ્લા વન્યજીવન વોર્ડન પાસેથી માર્ગદર્શન લેવાશે.
અલ્બીનો એટલે કે શરીરમાં રંગદ્રવ્યના અભાવને કારણે છાલ પર સફેદ કે પીળા રંગનું આવરણ હોય છે. આમ કાચબાની આ અલ્બીનો જાત ખૂબ જ દુર્લભ હોવાથી તેની પારદર્શકતા અને દેખાવ જંગલના કુદરતી વ્યવસ્થામાં સરળતાથી છૂપાઈ ન શકે તેથી તેનો જીવનચક્ર પણ અન્ય કરતાં અલગ હોય છે.