વડોદરામા લશ્કરી ભરતી પૂર્વેની નિઃશુલ્ક નિવાસી તાલીમ માટે પ્રિ-સ્ક્રુટીની યોજાઈ
07, ઓગ્સ્ટ 2025 વડોદરા   |   3069   |  

૯૦ ઉમેદવારો માટે ફીઝિકલ ચકાસણી યોજાઈ, ૮૮ ઉમેદવારો હાજર રહ્યા

મદદનીશ નિયામક (રોજગાર), વડોદરા દ્વારા સંરક્ષણ દળોની ભરતી માટે આવનારી લેખિત તથા શારીરિક પરીક્ષાની પૂર્વ તૈયારી સ્વરૂપે દર વર્ષે ૯૦ ઉમેદવારો માટે નિઃશુલ્ક નિવાસી તાલીમ આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૫-૨૬ માટે યોજાનારી આ તાલીમ માટે કુલ ૨૫૦ અરજીઓ ઓનલાઇન પ્રાપ્ત થઈ હતી, જેમાંથી ૮૮ ઉમેદવારો પસંદગી માટે યોજાયેલ ફીઝિકલ ચકાસણી માટે હાજર રહ્યા હતા.

આ પ્રિ-સ્ક્રુટીની માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા ખાતે યોજવામાં આવી હતી. ચકાસણી દરમિયાન કુલ ૮૮ ઉમેદવારો હાજર રહ્યા હતા જેમાંથી સામાન્ય, બક્ષીપંચ અને અન્ય પછાત વર્ગના ૭૦ તેમજ અનુસૂચિત જાતિના ૧૮ ઉમેદવારોનો સમાવેશ થયો હતો.

આ પસંદગી પછી વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોના વધુ ને વધુ યુવાનો લશ્કરી, એરફોર્સ અને અન્ય સંરક્ષણ દળોમાં ભરતીની તકો મેળવી શકે તે હેતુથી ૩૦ દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમ આપવામાં આવશે. તાલીમ આગામી તારીખ 18 ઑગસ્ટ 2025થી વડોદરા એસઆરપીએફ કેમ્પ ખાતે શરૂ થશે.

તાલીમ દરમિયાન ઉમેદવારોને રહેવા, જમવા તેમજ તાલીમસામગ્રી વિનામૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત, જે ઉમેદવારો ૮૦ ટકા હાજરી આપશે તેમને દૈનિક રૂ. ૧૦૦ના હિસાબે મહત્તમ રૂ. ૩૦૦૦નું સ્ટાઈપેન્ડ સીધું ડી.બી.ટી. દ્વારા તેમના ખાતામાં જમા કરવામાં આવશે.તાલીમમાં નિષ્ણાત ફેકલ્ટી દ્વારા લેખિત પરીક્ષાની તથા પૂર્વ લશ્કરી કર્મચારીઓ દ્વારા શારીરિક તૈયારીની વિશિષ્ટ તાલીમ આપવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution