07, ઓગ્સ્ટ 2025
વોશીંગ્ટન |
2277 |
ચીન સહીત 3 એશિયાઈ દેશનું ટેન્શન વધ્યું
100% ટેરિફના નિર્ણયની સીધી અસર હવે અમેરિકન ગ્રાહકો પર પડી શકે છે
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વધુ એક મોટો આર્થિક નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે, અમેરિકા કમ્પ્યુટર ચિપ્સ અને સેમિકન્ડક્ટર્સ પર લગભગ 100% ટેરિફ લગાવવાની યોજના બનાવી રહ્યા છે. જેના કારણે ઇલેક્ટ્રોનિક્સ, ગાડીઓ, ઘરગથ્થુ ઉપકરણો અને બીજા ડિજિટલ પ્રોડક્ટ્સની કિંમતો પર સીધી અસર પડી શકે છે. ટ્રમ્પે વોશિંગ્ટન ડીસીના ઓવલ ઓફિસમાં એપલના સીઈઓ ટિમ કુક સાથે મુલાકાત દરમિયાન કહ્યું કે, 'જો તમે અમેરિકામાં કમ્પ્યૂટર ચિપ્સ બનાવશો, તો કોઈ ટેક્સ નહીં લાગે, પણ બહારથી લાવશો તો 100% ટેરિફ લાગશે.'
જોકે, ત્રણ મહિના પહેલા જ ટ્રમ્પ પ્રશાસને કેટલાક ઇલેક્ટ્રોનિક સામાનને ભારે ટેરિફમાંથી થોડી રાહત આપી હતી. હવે જે કંપનીઓ અમેરિકામાં કમ્પ્યૂટર ચિપ્સ બનાવશે, તેમને આ નવા ટેક્સમાંથી મુક્તિ મળશે. કોવિડ-19 મહામારી દરમિયાન ચિપ્સની અછતને કારણે ગાડીઓની કિંમતો વધી ગઈ હતી અને મોંઘવારીમાં પણ વધારો થયો હતો. આ વખતે ટ્રમ્પ માને છે કે આ પગલાથી અમેરિકામાં ઉત્પાદનને વેગ મળશે.
ગઈકાલે જ, ટ્રમ્પે રશિયન તેલની આયાત કરવાને કારણે ભારત પર 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો, જેનાથી કુલ ટેરિફ 50% થઈ ગયો છે.આ નવા ટેરિફ 21 દિવસ પછી લાગુ થશે. આનો અર્થ એ છે કે ભારત અને રશિયા બંને પાસે ટ્રમ્પ પ્રશાસન સાથે આ આયાત કર પર વાતચીત કરવાનો સમય છે.
ટ્રમ્પના તાજેતરના 100% ટેરિફના નિર્ણયની સીધી અસર હવે અમેરિકન ગ્રાહકો પર પડી શકે છે. જો ટ્રમ્પ કમ્પ્યુટર ચિપ્સ અને સેમિકન્ડક્ટર્સ પર 100% ટેરિફ લગાવશે, તો તેના કારણે મોબાઈલ ફોન, કાર, ટીવી, ફ્રિજ અને અન્ય ડિજિટલ ઉપકરણો મોંઘા થઈ જશે. આવું એટલા માટે થશે કારણ કે આ ઉપકરણો બનાવતી કંપનીઓનો ખર્ચ વધશે અને નફો ઘટશે.