09, સપ્ટેમ્બર 2025
ન્યુયોર્ક |
3861 |
મહિલા રેન્કિંગમાં આર્યના સબાલેન્કા ટોચ પર
સ્પેનના સ્ટાર ટેનિસ પ્લેયર કાર્લોસ અલ્કારેઝ ફરીથી વિશ્વના નંબર-1 મેન્સ સિંગલ્સ પ્લેયર બન્યો છે. મેન્સ ટેનિસના વૈશ્વિક સંગઠન, ATP એ આજે નવીનતમ રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં અલ્કારેઝ 11540 પોઈન્ટ સાથે નંબર-1 પર છે. તે અગાઉના રેન્કિંગમાં નંબર-2 પર હતો. તેણે આ સ્થાન ઇટાલીના જેનિક સિનરથી મેળવ્યું છે. સિનર હવે 10,780 પોઈન્ટ સાથે બીજા નંબરે છે. અલ્કારેઝે ગયા સોમવારે પોતાના કરિયરમાં બીજી વખત US ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે 2022માં પણ આ ટુર્નામેન્ટ જીતી હતી.
જ્યારે વુમન્સમાં બેલારુસની આર્યના સબાલેન્કાએ યુએસ ઓપન જીતીને મહિલા ટેનિસ એસોસિયેશન રેન્કિંગમાં પોતાનું નંબર-1 સ્થાન વધુ મજબૂત બનાવ્યું છે. તેણે ફાઇનલમાં અમેરિકાની અમાન્ડા અનિસિમોવાને 6-3, 7-6 (3) થી હરાવી હતી. સબાલેન્કાના હવે 11,225 પોઈન્ટ છે.ફાઇનલ રમનાર અનિસિમોવા પાંચ સ્થાન આગળ વધીને વર્લ્ડ નંબર-4 બની ગઈ છે. ગયા વર્ષની ફાઇનલિસ્ટ અમેરિકાની જેસિકા પેગુલા ત્રણ સ્થાન નીચે સરકીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે પોલેન્ડની ઇગા સ્વિયાટેક અને અમેરિકાની કોકો ગૌફ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને યથાવત છે.