09, સપ્ટેમ્બર 2025
કાઠમંડુ |
4158 |
આંદોલનકારીઓએ સંચાર મંત્રીના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી
નેપાળના કાઠમંડુમાં ગઈકાલે શરૂ થયેલું Gen Z આંદોલન હવે હિંસક બનવાની સાથે વિકરાળ સ્વરૂપ લઈ રહ્યું છે. ગઈકાલે 20 આંદોલનકારીઓના મોત બાદ રોષ ભભૂકી ઉઠ્યો છે. આજે મોટી સંખ્યામાં યુવાનોએ નેપાળના માહિતી સંચાર મંત્રીના નિવાસ સ્થાનને પહોંચ્યા હતા અને આગ ચાંપી હતી.
નેપાળમાં મોટાભાગના વિસ્તારોમાં કરફ્યુ હોવા છતાં આંદોલનકારીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપનારા માહિતી સંચાર મંત્રી પૃથ્વી સુબ્બા ગુરૂંગના ખાનગી નિવાસસ્થાનને આગ ચાંપી દેતા પોલીસ તુરંત ફાયર બ્રિગેડની ગાડીઓ સાથે સ્થળ પર પહોંચી હતી. ફાયરબ્રિગેડ દ્વારા આગ બૂઝાવવાનો અને બચાવ કામગીરી શરૂ કરાઈ હતી.
નેપાળના વડાપ્રધાન કેપી ઓલીની મુશ્કેલી સતત વધી રહી છે. ગૃહમંત્રી બાદ હવે કૃષિ મંત્રી રામનાથ અધિકારીએ પણ રાજીનામું આપી દીધુ છે. સોમવારે હિંસક ઘટનાઓ અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા દમનના વિરોધમાં કૃષિ મંત્રીએ રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. તેમનું રાજીનામું ઓલી સરકાર માટે મોટા ઝટકા સમાન છે. જેનાથી ઓલી પ્રત્યે અવિશ્વાસનું પ્રમાણ વધ્યું છે.