ગાંધીનગર-

ગાંધીનગર મહાનગરપાલિકા આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. મહાપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો ઉપરના 162 ઉમેદવારોના ભાવિ આવતીકાલે ઇવીએમમાં સીલ થશે. જ્યારે આગામી તા. 5 ઓકટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ગાંધીનગર મહાપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકો માટેની ચૂંટણી તારીખ 3 ઓક્ટોબર આવતીકાલે સવારે સાત વાગ્યાથી શરૂ થશે અને સાંજના છ વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે. ગાંધીનગર મહાપાલિકાની 44 બેઠકો ઉપર હાલમાં કુલ 162 ઉમેદવારો મેદાનમાં છે. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવામાં આવી છે. 11 વોર્ડની 44 બેઠકો માટે મહાપાલિકાના કુલ 284 મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ 284 મતદાન કેન્દ્રો પૈકીનાં 144 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ અને ચાર કેન્દ્રોને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણી માટે કુલ 317 સીયુ અને 461 બીયુ મશીનનો ઉપયોગ કરવામાં આવશે.

આવતીકાલે યોજાનારી મહાપાલિકાની ચૂંટણીમાં કુલ 2,81,897 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે મહાનગરપાલિકાની આ ચૂંટણી માટે કુલ 1,775 અધિકારી અને કર્મચારીઓનો સ્ટાફ મતદાનની કામગીરી સંભાળશે. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે શહેરના કુલ 284 મતદાન કેન્દ્રો ઉપર અંદાજિત 1,270 પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓનો સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે.