વડોદરા, તા. ૨૨

સોખડા હરિધામ મંદિરની ૧૦ હજાર કરોડથી વધુ સંપતી માટે બે મુખ્ય સંતો અને તેઓના હજારો અનુયાયીઓના જુથ વચ્ચે ચાલતી હુંસાતુસી અને કાવાદાવા વચ્ચે ગઈ કાલે બે જુથ પૈકીના પ્રબોધસ્વામી સહિતના ૨૨૦થી વધુ સંતો, સાધ્વીઓએ સોખડા હરિધામને અલવિદા કહ્યા બાદ હવે સોખડા હરિધામ મંદિરના સંતોનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈ કાલે હરિધામ છોડીને ગયેલા પ્રબોધસ્વામી જુથના તેમજ સોખડા હરિધામમાં પુર્વસેવકોએ તાલુકા પોલીસ મથકે પ્રેમસ્વરૂપસ્વામી, ત્યાગવલ્લભસ્વામી, સરલપ્રસાદ સ્વામી અને જ્ઞાનસ્વરૂપ સ્વામીના વિરુધ્ધ આપેલી અરજીના અનુસંધાનમાં આજે નિવેદન નોંધાવવા માટે હાજર થયા હતા. દરમિયાન તેઓએ ઉક્ત ચારેય સંતો સામે સજાતિય સંબંધો બાંધ્યા હોવાના તેમજ માનસિક ત્રાસ ગુજારી પાસપોર્ટ પણ પરત આપતા નહી હોવાના ચોંકાવનારા આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો છે. તાલુકા પોલીસે હાલમાં આ બંને યુવકોના નિવેદનો નોંધી તપાસ શરૂ કરી છે.

વિશ્વવિખ્યાત અને હજારો હરિભક્તોના આસ્થાના કેન્દ્ર સમા હરિધામ સોખડાના સ્વામીનારાયણ મંદિરના સ્થાપક હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયાના માત્ર ૯ માસમાજ વિવાદનો જન્મ થયો છે. દેશ-વિદેશમાં આવેલી હરિધામ સોખડાની ૧૦ હજાર કરોડથી વધુની કિંમતની સંપતીનું શાસન ચલાવવા માટે હરિધામ સોખડાના બે મુખ્ય સંતો પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી અને તેઓના સમર્થક હજારો હરિભક્તો વચ્ચે લાંબા સમયથી આંતરિક ખટરાગ ચાલી રહ્યો છે. જાેકે મંદિરના બે સંતોનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યા બાદ ગઈ કાલી પ્રબોધસ્વામી સહિત ૨૨૦થી વધુ સંતો અને સાધ્વીઓએ હરિધામ સોખડાને અલવિદા કહી દેતા જ હવે બે સંતો વચ્ચેનો આંતરિક ખટરાગમાં જેની ભીતી સેવાતી હતી તે બંને સંતોના ચારિત્ર્ય પર સીધા આક્ષેપો થવાનો પ્રારંભ થયો છે. સુરતના કોળીભરથાણના બે યુવકો જેઓએ લાંબા સમય સુધી હરિધામ સોખડામાં સંતોના અંગત સેવક તરીકે સેવા આપી છે તેઓએ ગત ૩૧મી માર્ચે તાલુકા પોલીસ મથકમાં હરિધામ સોખડાના ચાર સંતો પ્રેમસ્વરૂપસ્વામી, સરલપ્રસાદસ્વામી, ત્યાગ વલ્લભસ્વામી અને જ્ઞાનસ્વરૂપ સ્વામી તેમજ બ્રહ્મલીન સંત હરિપ્રસાદના સેક્રેટરી પવિત્રભાઈ અને જે એમ દવે અને આસોજના એક ગ્રુપ સામે ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી. આ અરજીના અનુસંંધાણમાં તાલુકા પોલીસે બંને યુવકોને બે દિવસ પહેલા તાલુકા પોલીસ મથકમાં નિવેદન લખાવવા માટે હાજર રહેવા નોટીસ આપી હતી જેને પગલે આ બંને યુવકો આજે તાલુકા પોલીસ મથકમાં આવ્યા હતા અને તેઓ પોલીસ સમક્ષ લેખિત નિવેદનો લખાવ્યા હતા. નિવેદનો બાદ આ બંને યુવકોએ માધ્યમો સમક્ષ ચોંકાવનારા આક્ષેપો સાથે ધટસ્ફોટ કર્યો હતો જેને લઈને હરિધામ સોખડાના વિવાદમાં બળતામાં ઘી હોમાયુ છે. આ બે પૈકીના એક પુર્વસેવકે જણાવ્યું હતું કે ‘હું પોણા દસ વર્ષ સુધી હરિધામ સોખડામાં સેવક તરીકે ફરજ બજાવી છે. આ પૈકી પહેલા ચાર વર્ષ મે રસોડામાં સરલસ્વામીના સેવક તરીકે તેમજ બાકીના સાડાચાર વર્ષ પ.પુ.હરિપ્રસાદના સેક્રેટરી પવિત્રભાઈના સેવક તરીકે કામગીરી કરી હતી.

હરિધામ સોખડાના પહેલા ચારવર્ષ પહેલા સરલસ્વામીએ મારી સાથે જાતિય સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યા હતા પરંતું મે તેમને મચક આપી નહોંતી. એટલુ જ નહી સરલસ્વામીએ મારી સાથેના એક સેવક સાથે જાતિય સંબંધ હતા અને મે ખુદ બેથી ત્રણ વખત તેમને સજાતિય સંબંધ રાખતા જાેયા હતા પરંતું સંત હોવાના નાતે તેમની બદનામી ના થાય તે માટે મે ચુપકિદી સેવી હતી. જાેકે હું પ્રબોધસ્વામીનો અનુયાયી હોઈ અને મારા ગુરુને રાત્રે ફેંટ પકડીને હુમલો કરવાનો પ્રયાસ થતા હું વ્યથિત થયો છું એટલે હવે આ ચારેય સંતો તેમજ પવિત્રભાઈ જાની અને જે.એમ. દવે સામે ફરિયાદ નોંધાવવા માટે મે આજે નિવેદન નોંધાવ્યું છે.

જયારે હરિધામ સોખડાના અન્ય પુર્વસેવકે પણ માધ્યમો સમક્ષ આક્ષેપ કર્યા હતા કે ‘ હું ગત ૨૦૧૪થી પ્રેમસ્વરૂપ સ્વામીના અંગત સેવક તરીકે સેવા આપતો હતો અને તેમના ડ્રાઈવર તરીકે કામગીરી કરતો હતો. પ્રેમસ્વરૂપસ્વામી મારી પાસે એક્યુપ્રેશર કરાવવા સાથે તેમને નવડાવવાની પણ સેવા કરાવતા હતા પરંતું તે મને યોગ્ય નહી લાગતા મે આવી સેવામાંથી મુક્ત કરવા માટે મે તેમને જાણ કરી હતી. જાેકે હું પ્રબોધસ્વામીનો સમર્થક હોવાની જાણ થતાં પ્રેમસ્વરૂપ તેમજ તેમના જુથના સંતો અને અનુયાયીઓએ મારી પર માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું અને પ્રેમસ્વરૂપે કોઈ પણ કારણ વિના મને તેમની અંગત સેવામાંથી કાઢી મુક્યો હતો. તેમણે અને તેમના જુથના સંતોએ મારો પાસપોર્ટ પણ લઈ લીધો છે જે પરત આપવા માટે મે વારંવાર રજુઆત કરી છે છતાં મને પાસપોર્ટ આપતા નથી. આ અંગે મે પણ ૩૧મી તારીખે અરજી કરી હતી જેના અનુસંધાણમાં આજે મે તાલુકા પોલીસ મથકમાં ઉક્ત વિગતો સહિતનું નિવેદન નોંધાવ્યું છે.

સજાતીય સંબંધોના આક્ષેપમાં મૃતક સેવકનું નામ જાહેર થતા વિવાદ

આજે તાલુકા પોલીસ મથકમાં નિવેદન લખાવવા માટે આવ્યા બાદ બે સેવકો પૈકીના એક સેવકે સંતો પર ગંભીર આક્ષેપો કરતી વખતે સરલસ્વામીને એક યુવક સાથે સજાતિય સંબંધો હોવાનું કહી આ યુવકનું નામ માધ્યમોમાં જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ યુવક સજાતિય સંબંધોના કારણે કંટાળીને હરિધામ સોખડા છોડીને ગયા બાદ તેનું કમળી થતા હાલમાં અવસાન થયું છે. આક્ષેપો દરમિયાન સેવકે સજાતિય સંબંધોમાં ભોગ બનનારની ઓળખ છતી નહી કરવાના સર્વોચ્ચ અદાલતના આદેશનો ભંગ કરતા તાલુકા પોલીસે આ બાબતને પણ ગંભીરતાથી લીધી છે.

બંને યુવકો દ્વારા રજીસ્ટર્ડ

પોસ્ટથી અરજી કરવામાં આવી

તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે પ્રબોધસ્વામી જુથના સુરતના કોળીભરથાણના બંને યુવકોએ રજી.પોસ્ટથી અરજી કરી હતી જેથી પોલીસે બંનેના સરનામા શોધી તેઓએ બે દિવસમાં નિવેદન નોંધાવવા માટે હાજર રહેવા નોટીસ મોકલેલી. આજે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ લાંબરિયા તપાસના કામે બહાર હોઈ બંને યુવકો તેમને મળ્યા વિના સ્ટાફ સામે નિવેદન નોંધાવીને રવાના થતા આ બંને યુવકોને આક્ષેપ સંબંધિત પુછપરછ માટે ફરી તાલુકા પોલીસ મથકમાં બોલાવાશે અને તેઓની પાસે કોઈ પુરાવા હોય તો તે પણ કબજે લેવામાં આવશે અને નવ વર્ષ પહેલા બનેલા બનાવની કેમ મોડા ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી છે તે દિશામાં પણ તપાસ કરાશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

સરલસ્વામીના મહિલા સાથે સંબંધો હોવાનો આક્ષેપ

સરલસ્વામીને એક યુવક સાથે સજાતિય સંબંધો હોવાનું અને પોતાની સાથે પણ સરલસ્વામીએ સજાતિય સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હોવાનો આક્ષેપ કરનાર યુવકે માધ્યમો સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે સરલસ્વામીને એક મહિલા સાથે પણ સંબંધ છે. જાે પોલીસ તેમના ફોનની કોલ્સ ડિટેઈલ અને ગેલેરીની ચકાસણી કરશે તો તેમાંથી વધુ ચોંકાવનારા પુરાવા મળશે.

આક્ષેપો કેટલા સાચા તેની તપાસ માટે સંતોની પણ પૂછપરછ કરાશે

હરિધામ સોખડાના સંતો તેમજ બ્રહ્મલીન સંત હરિપ્રસાદના સેક્રેટરી પવિત્રભાઈ જાની અને આસોજના જે.એમ. દવે વિરુધ્ધ અરજીમાં તેમજ ત્યારબાદ બંને યુવકોએ નોંધાવેલા નિવેદનોમાં ગંભીર આક્ષેપો કરાયા હોઈ તાલુકા પોલીસે હવે નિવેદનનો આધારે તપાસ કરશે. આ અંગે તાલુકા પોલીસ મથકના પીએસઆી બી.જી.લાંબરિયાએ જણાવ્યું હતું કે જે સંતો હરિધામ સોખડા છોડીને ગયા છે તેમના જુથના બે યુવકોએ આક્ષેપ કર્યા છે. પ્રાથમિક તબક્કે આ આક્ષેપો કેટલીક વિસંગતતા છે છતા પણ તેઓએ જે સંતો પર આક્ષેપો કર્યા છે તેઓની પણ પુછપરછ કરી નિવેદનો મેળવાશે.