લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, માર્ચ 2026 |
2178
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં એલપીજીના પુરવઠાની સાથોસાથ વધારાના વિકલ્પ તરીકે કેરોસીનના વિતરણ અંગેની વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી રહી છે. મોના ખંધારે જણાવ્યું હતું કે, “એલપીજી ઉપરાંત કેરોસીનનો આ જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા ૧૪૫૨ કેએલ (૧૪,૫૨,૦૦૦ લિટર) કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાંથી દરેક જિલ્લાને ૩૬ હજાર લિટર કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાં પરિવાર દીઠ ૫ લિટર અને સંસ્થા દીઠ ૨૫ લીટર કેરોસીન ફાળવવામાં આવશે. તેના માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.”
આવશ્યક અને અર્ધ આવશ્યક સેવાઓ મુજબ એલપીજીની ફાળવણી
રાજ્યમાં હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓમાં ૧૦૦ ટકા, જ્યારે ફાર્મા, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, એરલાઇન/રેલવે કેન્ટીનમાં ૭૦ ટકા તેમજ મત્સ્યોદ્યોગ જેવી આવશ્યક સેવાઓમાં ૧૦ ટકા કેપ સાથે કોમર્શિયલ એલપીજી પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ સિવાય અર્ધ આવશ્યક સેવાઓ જેમ કે રેસ્ટોરાં/ઢાબા, હોટેલ્સ, કોર્પોરેટ કેન્ટીન, ઔદ્યોગિક કેન્ટીન, કોર્પોરેટ ગેસ્ટ હાઉસ અને ફુડ પ્રોસેસિંગમાં ૧૦ કેપ સાથે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પૂરતા પગલા લેવાયા છે, જેથી જરૂરિયાત અનુસાર તમામ ક્ષેત્રોને જરૂરી પુરવઠો મળી રહે.
એલપીજી વિતરણની દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક
રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્ચિત કરાઇ રહ્યું છે કે, નાગરિકોને સમયસર એલપીજી પુરવઠો મળે અને ગેરરીતિને અટકાવી શકાય. છેલ્લા ૧૨ દિવસમાં જિલ્લા કક્ષાએ ૯૧૨ અને રાજ્ય કક્ષાએ ટીમ દ્વારા ૧૭ કિસ્સાઓમાં તપાસની કામગીરી કરાઇ છે.