વડોદરા, તા.૧૭

વડોદરામાં પણ અમદાવાદની જેમ સાયન્સ સિટી સેન્ટર શરૂ કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકારે ૮ એકર જગ્યા વેમાલી ખાતે ફાળવી હોવાની જાહેરાત મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એક કાર્યક્રમ દરમિયાન કરી હતી. આમ, અમદાવાદ અને સુરત બાદ વડોદરામાં રાજ્યનું ત્રીજું સાયન્સ સિટી સેન્ટર બનશે.

વડોદરા શહેર રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મહેસૂલ અને કાયદામંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ન્યાયમંદિરને હેરિટેજ સિટી મ્યુઝિયમ તરીકે વિકસાવવા બંને ઈમારતો વડોદરા કોર્પોરેશનને ફાળવવાની જાહેરાત સાથે અમદાવાદની જેમ વડોદરામાં પણ સાયન્સ સિટી બને તેવી લાગણી વ્યક્ત કરી હતી. જાે કે, મુખ્યમંત્રીએ તરત જ મંજૂરી આપી હતી.

વડોદરામાં સાયન્સ સિટી સેન્ટર બને તે માટેની જગ્યા મહેસૂલ વિભાગે ફાળવવાની હતી અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વેમાલી પાસે ૭ થી ૮ એકર જગ્યા સાયન્સ સિટી બનાવવા માટે ફાળવી હોવાની જાહેરાત ગઈકાલે હનુમાન જયંતી નિમિત્તે મુજમહુડા ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં કરી હતી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દેશ આખો વિજ્ઞાનની તરફ મીટ માંડીને બેઠો છે. બાળકો વિજ્ઞાનમાં રૂચિ લેતા થાય અને દેશની પ્રગતિમાં વિજ્ઞાનનો સહારો લેવાય, બાળકોને વિજ્ઞાનની તમામ શાખાઓની જાણકારી મળે તે માટે વડોદરામાં પ્રાદેશિક સાયન્સ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું છે જેમાં વિજ્ઞાનની વિવિધ શાખાઓની સમજ આપવામાં આવશે. વેમાલી ખાતે અમદાવાદની જેમ સાયન્સ સિટી સેન્ટરનું ભવ્ય મોન્યુમેન્ટ ઊભું થશે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં બનાવાયેલા સાયન્સ સેન્ટરની મુલાકાત લેવા દેશ-વિદેશમાંથી લોકો આવે છે ત્યારે વડોદરા ખાતે બનનાર સાયન્સ સિટી સેન્ટર પણ વિજ્ઞાનની વિસ્તૃત માહિતી સાથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.