લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, એપ્રીલ 2026 |
વડોદરા |
1485
ગોત્રી સરકારી હોસ્પિટલમાંથી એક દર્દીને વધુ સારવાર માટે અન્યત્ર લઈ જવા નીકળેલી ૧૦૮ એમ્બ્યુલન્સ જેવી હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર આવી કે તરત જ ટ્રાફિકના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સનો સાયરન સતત ગૂંજી રહ્યો હતો, પરંતુ રસ્તા પર વાહનોની એટલી લાંબી કતારો હતી કે પાયલોટ માટે એમ્બ્યુલન્સને બહાર કાઢવી અશક્ય બની ગઈ હતી.
ગંભીર હાલતમાં રહેલા દર્દી માટે એક-એક સેકન્ડ કિંમતી હોય છે, ત્યારે તંત્રની બેદરકારીના કારણે એમ્બ્યુલન્સ રસ્તા પર જ થંભી ગઈ હતી. ગોત્રી હોસ્પિટલની બહાર મુખ્ય માર્ગ પર વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કોઈ સિવિલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સ્થાનિક વાહનચાલકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા રસ્તા પર કામ તો શરૂ કરી દેવાયું છે, પરંતુ સુરક્ષા કે સાવચેતીના ભાગરૂપે કોઈ પણ પ્રકારના સાઈન બોર્ડ કે ડાયવર્ઝનના બોર્ડ મૂકવામાં આવ્યા નથી. રસ્તા પર આડેધડ ખોદકામ અને મશીનરી ઉભી રાખી દેવાતા સાંકડા બનેલા માર્ગ પર વાહનોનો ભરાવો થયો હતો. વાહનચાલકોનો આક્ષેપ છે કે જાે અગાઉથી સૂચના આપતા બોર્ડ મારવામાં આવ્યા હોત, તો ટ્રાફિક જામની આ સ્થિતિ સર્જાત નહીં અને કટોકટીના સમયે એમ્બ્યુલન્સને રસ્તો મળી શક્યો હોત. ઉલ્લેખનીય છે કે ગોત્રી હોસ્પિટલ વડોદરા અને આસપાસના જિલ્લાઓના દર્દીઓ માટેનું મુખ્ય કેન્દ્ર છે. અહીં ચોવીસે કલાક એમ્બ્યુલન્સોની અવરજવર રહેતી હોય છે.
આવા સેન્સિટિવ ઝોનમાં જ્યારે પણ કોઈ કામગીરી કરવાની હોય ત્યારે ટ્રાફિક પોલીસ અને પાલિકા વચ્ચે સંકલન હોવું અનિવાર્ય છે. જાેકે, આ કિસ્સામાં તંત્રનું કોઈ આયોજન દેખાયું નહોતું. લોકોમાં એવો રોષ જાેવા મળી રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જાેઈ રહ્યું છે? સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે જ્યારે જીવન રક્ષક એમ્બ્યુલન્સ જ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયેલી રહે, ત્યારે વિકાસના મોડલ પર અનેક સવાલો ઉભા થાય છે. હાલમાં તો સામાજિક કાર્યકરો અને નાગરિકો આ મામલે જવાબદાર ઇજારદાર સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.