07, ઓગ્સ્ટ 2025
અમદાવાદ |
2277 |
એકનું મોત, બાળકો સહિત 7 ઈજાગ્રસ્ત
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં AMCના સરકારી વાહન દ્વારા રાહદારીઓને અડફેટે લેવામાં આવ્યા હતા. પૂરપાટ ઝડપે દોડતી ગાર્બેજ કલેક્શનના વાહને 7 થી 8 લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક 50 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે. જ્યારે બાળકો સહિત 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન કરતા વાહને વહેલી સવારે 2 થી 3 વાહનોને તેમજ રાહદારીઓને અડફેટે લીધા હતા. પૂરપાટ ઝડપે દોડતા કચરા કલેક્શનના વાહનની અડફેટે 7 થી 8 જેટલા લોકો આવ્યા હતા. જેમાંથી એક આધેડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ સિવાય શાળામાં અભ્યાસ કરતા બે બાળકો સહિત કુલ 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
અકસ્માત બાદ સ્થાનિકોએ એમ્બ્યુલન્સને ફોન કરી તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હતા. જોકે, અકસ્માત બાદ વાહન ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ લોકોએ તેને પકડીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે અકસ્માત સર્જનારા ડ્રાઇવર રાહુલ પરમારની અટકાયત કરી છે.