બેઈજિંગ-

ચીનના પ્રમુખ શી જિનપિંગે જુલાઈમાં જનરલ શૂ કિલિંગને પીએલએની પશ્ચિમ થિયેટર કમાન્ડના વડા તરીકે પ્રમોટ કર્યા હતા. જાેકે, હવે શૂ કિલિંગની નવી ભૂમિકા સ્પષ્ટ નથી. ૫૯ વર્ષીય જનરલ શૂ કિલિંગ પૂર્વીય લદ્દાખમાં ભારત સાથે વિવાદ શરૂ થયા પછી નિમણૂક પામનારા ત્રીજા કમાન્ડર હતા. અગાઉ જનરલ ઝાંગ શુડોંગની ગયા વર્ષે ૧૯મી ડિસેમ્બરે કમાન્ડના વડા તરીકે નિમણૂક કરાઈ હતી. તેમણે ૬૫ વર્ષીય જનરલ ઝાઓ ઝોંગકી પીએલએમાંથી નિવૃત્ત થતાં શુડોંગે તેમનું સ્થાન લીધું હતું.

જનરલ વાંગ હૈજિયાંગ ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં વિયેતનામ સાથેનું યુદ્ધ જાેઈ ચૂક્યા છે. પીપલ્સ લિબરેશન આર્મીના એલીટ યુનિટમાં પણ સેવા આપી ચૂક્યા છે. વાંગ ડિસેમ્બર ૨૦૧૯ સુધી તિબેટ મિલિટ્રી ડિસ્ટ્રિક્ટના વડા તરીકે સેવા આપી ચૂક્યા છે. અહીં તેઓ તિબેટવાસીઓમાં સરકાર વિરોધી ભાવનાને દબાવવાનું કામ કરી રહ્યા હતા. તિબેટ અંગે ચીન હંમેશા સાવધ રહ્યું છે. તાજેતરમાં જ ચીના પ્રમુખ શી જિનપિંગે તિબેટનો પ્રવાસ કર્યો હતો. આ સાથે તિબેટનો પ્રવાસ કરનારા તે ચીનના સૌપ્રથમ પ્રમુખ હતા. અહીં તેમણે ધાર્મિક કાર્યક્રમોને નિયંત્રિત કરનારા મૌલિક દિશા નિર્દેશો લાગુ કરવા પર ભાર મૂક્યો હતો તેમજ સૈન્યને કોઈપણ સમયે યુદ્ધ માટે તૈયાર રહેવા પણ જણાવ્યું હતું.ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખ સરહદે ચાલી રહેલા વિવાદ વચ્ચે ડ્રેગને ભારતીય સરહદે નવા મિલિટ્રી કમાન્ડર જનરલ વાંગ હૈજિયાંદગની પીપલ્સ લિબરેશન આર્મીની પશ્ચિમી થીયેટર કમાન્ડના નવા કમાન્ડર તરીકે નિમણૂક કરી છે. પૂર્વીય લદ્દાખમાં ભારત સાથે સંઘર્ષ પછી ચીને ચોથી વખત પશ્ચિમી થીયેટર કમાન્ડના કમાન્ડર બદલ્યા છે. પૂર્વીય લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે લગભગ દોઢ વર્ષથી સ્ટેન્ડ-ઓફની સ્થિતિ છે. અનેક તબક્કાની વાટાઘાટો પછી પણ બંને દેશ કોઈ સમજૂતી પર પહોંચી શક્યા નથી. જનરલ વાંગ હૈજિયાંગ વેસ્ટર્ન થિયેટર કમાન્ડમાં જનરલ શૂ કિલિંગનું સ્થાન લેશે. મે ૨૦૨૦થી લદ્દાખમાં શરૂ થયેલા સંઘર્ષ પછી જનરલ વાંગ પશ્ચિમી થીયેટર કમાન્ડને લીડ કરનારા ચોથા કમાન્ડર છે. ચીનની વેસ્ટર્ન થિયેટર કમાન્ડ શિનજિયાંગ અને તિબેટ સ્વાયત્ત ક્ષેત્રની સાથે ભારત સાથે સરહદની દેખરેખ કરે છે, જેથી તે ચીનના સૈન્યમાં એક કમાન્ડ તરીકે સૌથી મોટું ભૌગોલિક ક્ષેત્ર બની જાય છે. ચીનની સરકારી વેબસાઈટ સિનામિલના અહેવાલ મુજબ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચીન (સીપીસી) અને સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી)ના વડા તરીકે શી જિનપિંગે વાંગ અને અન્ય ચાર સૈન્ય અધિકારીઓને ચીનમાં સક્રિય સૈન્ય સેવામાં અધિકારીઓ માટેની સર્વોચ્ચ જનરલ રેન્ક તરીકે બઢતી આપી હતી. સેન્ટ્રલ મિલિટ્રી કમિશન (સીએમસી) પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ની એકંદર હાઈકમાન્ડ છે. ગયા વર્ષે જૂન મહિનામાં ગલવાન ઘાટીની અથડામણ પછી બંને દેશોના સૈન્ય પેંગોંગ ત્સો સરોવર અને ગોગરાથી પોતાના સૈનિકોને પાછા બોલાવવા સંમત થયા છે, પરિણામે પૂર્વીય લદ્દાખમાં તણાવ કંઈક અંશે ઓછો થયો છે, પરંતુ હોટ સ્પ્રિંગ્સ અને દેપસાંગ જેવા ક્ષેત્રોમાં હજી પણ બંને દેશના સૈનિકો આમને-સામને છે.