અમદાવાદ-

રાજ્યમાં કોરોના વચ્ચે હવે સ્વાઈન ફ્લૂનું ખતરો તોળાયો છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 23 કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરની અસર લગભગ ખતમ થઈ ગઈ છે. પરંતુ નિષ્ણાતોએ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. તેવામાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ઓગસ્ટ-2021 સુધીમાં સ્વાઈન ફ્લૂના 23 કેસ નોંધાયા હતા. જેમાંથી એકનું મોત થયું છે. કેન્દ્ર સરકારના નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે. આ ડેટા મુજબ દેશભરમાં સ્વાઈન ફ્લૂના ઓગસ્ટ-2021 સુધીમાં 292 કેસ નોંધાયા છે. જેમાંથી 3 લોકો મોતને ભેટ્યા છે.

જો ગુજરાતની વાત કરીએ તો, વર્ષ 2016 થી ઓગસ્ટ 2021 સુધીના અરસામાં સ્વાઈન ફ્લૂએ 737 દર્દીઓનો ભોગ લીધો છે. ગુજરાતમાં કોરોનાનો કેર ઓસર્યો એ પછી 2021માં સ્વાઈન ફ્લૂથી પ્રથમ મોતનો કિસ્સો સામે આવ્યો છે. ગત વર્ષે સ્વાઈન ફ્લૂના કુલ 55 કેસ નોંધાયા હતા. જેમાંથી 2 દર્દીઓ મોતને ભેટ્યા હતા. અગાઉ કોરોના પહેલા વર્ષ 2019માં સ્વાઈન ફ્લૂના 4 હજાર 844 કેસ નોંધાયા હતા. જ્યારે 151 લોકોનાં મોત થયા હતા. સૌથી વધુ મોત શહેરની સિવિલ હોસ્પિટલમાં નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના લક્ષણોમાં તાવ, ઉલટી, ઝાડા, શરદી, ખાંસી અને ઠંડી લાગવી, ગળામાં ખારાશ અને પેટમાં દુખાવો થાય છે. આવા લક્ષણો જણાય તો તાત્કાલીક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.