ગાંધીનગર ગુજરાતમાં પશુ અને મનુષ્ય માટે રૂપિયા ૫૦,૦૦૦ની રકમના વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી ભાજપ સરકારે રાજ્યના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી હોવાનું પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું. ગુજરાતમાં પશુ અને મનુષ્યના મોત પર એક સમાન વળતર જાહેર કરતા ભાજપ સરકારની અસંવેદનશીલતા, વૈશ્વિક મહામારી કોરોનામાં ગુન્હાહિત બેદરકારી અને અણઘડ વહીવટ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોનાના કારણે મૃત્યુ પામેલા ગુજરાતના નાગરિકોને ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ હેઠળ ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની માંગ કરાઈ છે. કુદરતી આપદામાં ઢોર - પશુ મરે તો રૂપિયા ૫૦,૦૦૦ની સહાયની જાહેરાત અને કોરોના કાળમાં સ્વજન ગુમાવનાર પીડિત પરિવારને માત્ર રૂપિયા ૫૦,૦૦૦ની સહાય....! પશુ અને મનુષ્ય માટે રૂપિયા ૫૦,૦૦૦ના વળતરના એક સમાન ધારા ધોરણ જાહેર કરી સરકારે ગુજરાતના મૃતક પરિવારો, માનવ જાતની ક્રૂર મજાક કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, પૂરની સ્થિતિમાં દુધાળા પશુના મૃત્યુ માટે ૫૦,૦૦૦ની સહાય અને બીજી બાજુ કોરોનાના મૃતક માટે રૂિ ૫૦,૦૦૦ની સહાયની વાત ભાજપ સરકાર કરે છે. મૃતક નાગરિકોને પશુ સમાન-જેટલી કીમત આંકી સરકાર શું સાબિત કરવા માંગે છે ? તેનો જવાબ ભાજપ સરકાર દ્વારા આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનામાં હોસ્પિટલોમાં બેડ, દવાઓ, ઇન્જેક્શન, ઓક્સિજન અને વેન્ટીલેટરના અભાવે ગુજરાતના ત્રણ લાખ કરતાથી વધુ લોકોના મૃત્યુ થયા છે. ખાનગી હોસ્પિટલમાં મોંઘી સારવારમાં લાખો રૂપિયાની ઉઘાડી લુંટ ચલાવામાં આવી. સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક પાયમાલીનો સામનો કરવો પડ્યો છે, આ તમામ બાબતો માટે જવાબદાર કોણ ? તેવો પણ સવાલ કર્યો છે.પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ અંતર્ગતની જાેગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત/સહાયના ચાર લાખ રૂપિયા ચુકવવા પૈસા નથી, પરંતુ બુલેટ ટ્રેન, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ, ઉદ્યોગપતિઓના દેવા માફી, એરોપ્લેન – હેલીકોપ્ટર ખરીદવા માટે કરોડો રૂપિયા વેડફી રહી છે. ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજ્યના ખૂણે ખૂણે જઈને કોરોના મૃતકોના પરિવારજનોને મળ્યા છે. તેમાં ચાલીસ હજાર જેટલા કોરોના મૃતક પરિવારજનોએ માંગણી કરી છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પ્રમાણે સરકાર કોરોના મૃતક પરિવારોને રૂપિયા ચાર લાખની સહાય કરે. બીજી તરફ કોરોના મૃતકોનો આંકડો છુપાવવા સરકાર દ્વારા કોરોનામાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમ છતાં મરણ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ અન્ય બીમારી લખી મૃત્યુ આંક છુપાવી રહી છે.