વડોદરા, તા.૨૧ 

શહેર નજીક સમલાયા ગામે આવેલ ગૌશાળાની બાજુમાં મહાકાય અજગર આવી જત લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્કયૂ ટ્રસ્ટને કરાતાં સંસ્થાના કાર્યકરો તુરંત દોડી ગયા હતા અને ૮ ફૂટના અજગરને રેસ્કયૂ કરીને વન વિભાગના હવાલે કર્યો હતો.

ચોમાસાની ઋતુ હવે લગભગ પૂરી થઈ છે પરંતુ હજુ પણ નદી-નાળાં, તળાવો વગેરેમાંથી મગર તેમજ સરિસૃપો બહાર આવી જવાનો સિલસિલો જારી રહ્યો છે. મંગળવારે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર પર સમયાલા ગામમાંથી કેયુરભાઈનો ફોન આવ્યો હતો કે, ગામની ગૌશાળાની બાજુમાં એક અજગર આવી ગયો છે. જેથી સંસ્થાના કાર્યકર ધર્મેશ માળી, વિપુલ રાજપૂત, અમિત પઢિયાર વડોદરા વન વિભાગના અધિકારી સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યાં જાેતાં ગૌશાળાની બાજુમાં એક ૮ ફૂટનો અજગર જોવા મળ્યો હતો, જેને અડધા કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.