અમદાવાદ-

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદિક ડોક્ટરોને 58 પ્રકારની સર્જરી કરવાની છૂટ આપવામાં આવતાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા તેના વિરોધમાં આવતીકાલે એક દિવસની હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ  આ હડતાલમાં રાજકોટના 1800 સહિત ગુજરાતના 30,000 ડોક્ટરો જોડાશે અને તેઓ ઈમરજન્સી અને કોવિડ સિવાયની તમામ કામગીરીથી અળગા રહેશે. આ હડતાલ વહેલી સવારે 6 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી યથાવત રહેશે. જો કે હડતાલ દરમિયાન કોઈ પ્રકારના દેખાવો કે વિરોધ કરવાની જગ્યાએ શાંતિપૂર્વક કામગીરીથી દૂર રહેવાનો આઈએમએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

સેન્ટ્રલ કાઉન્સીલ ઓફ ઈન્ડિયન મેડિસીન (સીસીઆઈએમ) દ્વારા એક જાહેરનામું બહાર પાડીને આયુર્વેદના સ્નાતક ડોક્ટર 58 પ્રકારની સર્જરી કરી શકશે તેવી માન્યતા આપવામાં આવી છે. જો કે આવું કરવાથી એલોપેથી અને આયુર્વેદનું મિશ્રણ થશે જે દર્દી માટે ભયંકર ચેડા સમાન છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન આ મિશ્રણને 'ખીચડીપથી' ગણાવી રહ્યું છે. તેમણે કહ્યું કે અમે ચિકિત્સાની તમામ પદ્ધતિનું સન્માન કરીએ છીએ પરંતુ આ પ્રકારના મિશ્રણને ચલાવી શકાય તેમ નથી. એલોપથી અને આયુર્વેદ બન્ને મહત્ત્વની પદ્ધતિ છે પરંતુ જો તેને મિક્સ કરાશે તો આરોગ્ય પર મોટું જોખમ ઉભું થઈ શકે છે.

આયુર્વેદ અને એલોપથી કે અન્ય પથીની સારવાર લોકો પોતાની સમજ અને જરૂરિયાત પ્રમાણે લેતા હોય છષ અને દરેક પદ્ધતિ પોતપોતાની રીતે વિકસી રહી છે પણ કોઈ બે પથીને મીક્સ કરવી બિલકુલ વ્યાજબી નથી. એલોપથીના તબીબો આવા મિશ્રણથી ઉભા થનારા જોખમો વિશે સરકારને રજૂઆત કરી રહ્યા છે અને લોકો સુધી લોકહિતની વાત પહોંચે એ માટે સારવાર પદ્ધતિ સાથેની રમતના વિરોધમાં એક દિવસની હડતાલ પાડશે.