8 દિવસના નવજાત શિશુને વાંદરા ઊંચકી ગયા, અને પછી-
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, ફેબ્રુઆરી 2021  |   3960

થંજાવુર-

માતા પોતાના નવજાત શિશુને હંમેશા ખૂબ જ સંભાળથી રાખે છે, છતાં ક્યારેક અણધારી ઘટનાઓ આવા બાળકોના જીવને જોખમમાં મૂકી દે છે. તામિલનાડુના થંજાવુર ખાતેની આવી જ એક ઘટનામાં વાંદરાએ એકાએક આવીને નવજાત શિશુને ઉઠાવી લઈને ઊંચાઈએથી ખાઈમાં પાડી દેતાં તેનું કરુણ મોત થયું હતું. 

થંજાવુરના ફરતે ખાડી ધરાવતા વિસ્તારના મેલા અલંગમ ખાતેના એક ઘરમાં વાંદરા એકાએક ઘૂસી આવ્યા હતા. આ વાંદરાઓ ઘરના છાપરાના નળીયા ઉખેડીને ઘૂસી આવ્યા હતા. આ સમયે નવજાત શિશુની માતા હાજર નહોતી. પોલીસના જણાવ્યાનુસાર, અહીં 26 વર્ષીય ભુવનેશ્વરી અને તેના પતિ નામે રાજાના ઘરે ગત 6 ફેબ્રુઆરીએ જોડિયા બાળકો અવતર્યા હતા. જ્યારે વાંદરાઓ ઘૂસી આવ્યા ત્યારે માતા નજીકમાં બહાર ગઈ હતી અને બંને બાળકો જમીન પર સૂતેલા હતા. 

બપોરે આશરે દોઢેક વાગ્યે ભુવનેશ્વરી દેવીએ વાંદરાની ચિચિયારી અને બાળકોના રડવાનો અવાજ એકાએક સાંભળતાં તે સફાળી ઘરમાં દોડી આવી હતી અને એક બાળક ગુમ હતું. તેણે છાપરા પર જોયું તો એક વાનર તેના એક બાળકને હાથમાં લઈને બેઠો હતો. જાણ થતાં ભેગા થઈ ગયેલા લોકોએ શોરબકોર કરતાં આ વાનર બાળકને છાપરા પર છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ લોકોએ બીજા બાળકની તપાસ આદરી હતી. કમનસીબે તેમને બીજું બાળક ઘરની પડખેની ખાડીના પાણીમાં મૃત હાલતમાં તરતું જોવા મળ્યું હતું. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાંચેક જેટલા વાંદરા અવારનવાર લોકોને રંજાડે છે. વન્યખાતાને વિગત પૂછાતાં જણાવ્યું હતું કે, તેમણે ઘટનાસ્થળ પર માણસોને મોકલીને વાંદરાઓને પાંજરે પૂરવા પગલાં લીધા છે. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution