ગાંધીનગર-

શહેરના પેથાપુર વિસ્તારમાં રહેતા કેટલાક ગુનેગારો સંગઠીત થઈને આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશનના ગુનાઓ આચરતા હતા. આરોપીઓ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટ બનાવી ગુનાહિત કાવતરુ કરતા હતા. પ્રાણઘાત હથિયારો, ફાયર આર્મ્સનો ઉપયોગ કરી બળજબરીથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર હુમલા કરતા હતા. આથી, 4 આરોપીઓ વિરુદ્ધ ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ 2એ ગુનો નોંધ્યો છે. પેથાપુરમાં રહેતો રહીમ ઉર્ફે ભુરો મહંમદહુસેન 4 આરોપીઓ પૈકી ટોળકીનો મુખ્ય સુત્રધાર હતો. જેમાં અન્ય 3 આરોપીઓમાં રોહિત ઉર્ફે નેનો મહેન્દ્ર દુધા રાઠોડ, રાકેશ ઉર્ફે રાકો સોલંકી, વિશાલ દંતાણીનો સમાવેશ થાય છે. જેઓ સોનાના દોરા, મંગળસૂત્ર જેવા ઘરેણાની લૂંટ કરતા હતા.

આ ઉપરાંત, ઘરફોડ ચોરીઓ જેવા સંખ્યાબંધ બનાવો લાંબા સમયથી આચરતા હતા. આવા ગુનાઓ આચરી સામાન્ય નાગરિકોમાં ભય અને આતંક ફેલાવી નિર્દોષ પ્રજાને રંજાડવાનું કૃત્ય કરતા હતા. આ ઉપરાંત, ગેરકાયદેસર સાધનોથી ગંભીર ગુનાઓ પણ કરતા હતા. તેઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ મુજબ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગાંધીનગર જિલ્લામાં અને મહેસાણા જિલ્લાના પોલીસ મથકના કાર્યક્ષેત્ર ઉપરાંત આસપાસના વિસ્તારમાં ચોરી અને ઘરફોડની ઘટનાઓ સામે આવી રહી હતી. આ ઉપરાંત, ચોરી કરતા ગુનેગારો ઘાતક હથિયારો રાખતા હતા. તેઓ વિરુદ્ધ આતંકી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ મુજબ ગાંધીનગર જિલ્લા ખાતે પ્રથમ ગુનો નોંધાયો હતો. આ બાદ, તેને ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.