વડોદરા, તા.૩૧

ગોરવા વિસ્તારમાં રસ્તે રખડતી ગાયે આજે ઘર નજીક ઊભેલા ૭૦ વર્ષીય વૃદ્ધને ગાયે ભેટી મારીને જમીન ઉપર પછાડતાં થાપામાં ફ્રેકચર સહિત ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. માથાભારે ભરવાડોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતાં માહોલ તંગદિલીભર્યો બન્યો હતો. જાે કે, ગોરવા પોલીસે ઓળખાયેલ બે ભરવાડ સહિત ટોળા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવથી સ્થાનિક સોસાયટીના રહેશોમાં ગોપાલકો વિરુદ્ધ રોષની લાગણી વ્યાપી છે. ગોરવા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ગુનો દાખલ કર્યો હતો.

શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ ગુલમહોર સોસાયટીમાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ ઈન્દ્રસિંહ અભયસિંહ રાણા હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. ગત તા.૨૯મીના રોજ રાત્રિના ૧૦ વાગ્યાની આસપાસ ઘરની બહાર ઊભા હતા એ દરમિયાન ગાયોને લેવા આવેલ ગોપાલકે ગાયને દોડાવતાં દોડતી ગાયે ભેટી મારીને જમીન ઉપર પટકાવ્યા હતા, જેથી તેઓને થાપામાં ગંભીર ઈજાઓના કારણે ફ્રેકચર થયું હતું. આ બનાવને પગલે સ્થાનિકોએ ઈન્દ્રસિંહ રાણાને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમણે ગોરવા પોલીસ મથકે ગોપાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ ગોરવા પોલીસના પીએસઆઈ કે.જી.ચાવડા તેમના સ્ટાફ સાથે બપોરના સમયે પેટ્રોલિંગમાં હતા તે વખતે સેન્ટ મેરી સ્કૂલના ગ્રાઉન્ડમાં રખડતી ગાયો નજરે પડતાં પાલિકાને ગાયો પકડવા અંગેની જાણ કરી હતી. આ ગ્રાઉન્ડ પાસે ઊભેલા કનુ ઉર્ફે ભુરિયા રબારી અને વિશાલ રબારી (રહે. ગોરવા પોલીસ સ્ટેશનની પાછળ, રબારી વાસ)નાઓએ પોલીસ સામે બૂમાબૂમ કરી હતી જેથી અન્ય ભરવાડો દોડી આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઊતરી આવી ગાળાગાળી સાથે પોતાની જાતે જ પોતાને પથ્થર મારી પોલીસે માર માર્યાની બૂમાબૂમ કરી મુકી હતી. પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરતાં કનુ ઉર્ફે ભુરિયો રબારી અને વિશાલ રબારી સહિત અન્ય ટોળા વિરુદ્ધ પોલીસ કર્મચારી અનિરુદ્ધસિંહે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરને રખડતા ઢોરમુક્ત કરવાની વાતો પોકળ સાબિત થઈ છે. શહેરમાં અવારનવાર ગાયો દ્વારા હુમલાના બનાવો બની રહ્યા છે. જાે કે, પાલિકા દ્વારા રોજ પ૦ ગાયો પકડવાનું નક્કી કરાયું છે.