કચ્છમાં દલિત પરિવાર સાથે બની અજુગતી ઘટના,રાજ્ય સરકારે કરી આ સહાય
30, ઓક્ટોબર 2021

કચ્છ-

ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ભોગ બનનારા ૬ વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા કુલ ર૧ લાખની સહાય ચૂકવવામાં આવશે. ઘટના સંદર્ભમાં પોલીસે ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આવું કરનારા લોકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.  કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના લોકો પર મંદિર પ્રવેશ બાબતે કરાયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. સામાજિક ન્યાય અને અધિકારીના મંત્રી પ્રદિપસિંહ પરમારે આ અંગેની વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકાર રાજ્યમાં સામાજિક સમરસતા જળવાય અને કોઇનેય આવા અત્યાચારનો ભોગ બનવું ન પડે તેવી પ્રતિબદ્ધતાથી કર્તવ્યરત છે. દલિત અત્યાચારની આ ઘટનામાં જે ૬ લોકો ઇજાગ્રસ્ત થયા છે અને સારવાર હેઠળ છે. તેમને નિયમાનુસાર કુલ ર૧ લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. મંત્રીએ જણાવ્યું કે, કચ્છની આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રીશ્રીએ સત્વરે જરૂરી પગલાં લેવા અને આ ઘટનામાં સંડોવાયેલાઓ પર કડક કાનૂની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સંદર્ભમાં કચ્છ જિલ્લા તંત્ર અને જિલ્લા પોલીસે ત્વરિત એકશન લઇને ૭ વ્યક્તિઓની અટકાયત કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution