રાજપીપલા, તા.૭

 સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હાઉસ કીપિંગનો બી.વી.જી કંપનીનો કોન્ટ્રાક્ટ બંધ કરાતા એમાં કામ કરતા ૧૫૦ આદિવાસીઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે, તેઓ બેરોજગાર થઈ જતાં પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.મનસુખ વસાવાએ એ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. તે છતાં હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.તો બીજી બાજુ ૧૫૦ આદીવાસી કર્મીઓને છુટા કરવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના આદિવાસી નેતાઓ સામ સામે આવી ગયા છે. નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા વાંસદાના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિજાતિ મોર્ચા પ્રમુખ અનંત પટેલે સીધે સીધું એમ કહી દીધું છે કે જાે મનસુખ વસાવાનું કોઈ સાંભળતું ન હોય તો એમણે રાજીનામું આપી સમાજ સેવામાં લાગી જવું જાેઈએ.વધુમાં એમ જણાવ્યું હતું કે ભાજપના આદિવાસી નેતા, સાંસદ અને ધારાસભ્યોનું અધિકારીઓ અને સરકાર માનતા નથી એમને માત્ર લોલીપોપ પકડાવી દે છે, ભાજપ પોતાનાં સ્થાપના કાળથી જ આદિવાસી વિરોધી રહી છે.જાે કોઈ સરકારની સામે અવાજ ઉઠાવે તો એને કટ ટુ સાઈઝ કરી દેવાય છે.

સરકાર તો અધિકારીઓ ચલાવી રહ્યા છે.ભાજપ હમેશા આદીવાસીઓની જળ, જંગલ, જમીન કેવી રીતે હડપી લેવી એના કાવા દાવા કર્યા કરે છે. એની સામે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસનાં નેતાઓને કશી સમજણ પડતી નથી.કોંગ્રેસના નેતાઓ હાલ ચૂંટણી આવી એટલે હવાતિયાં મારવા નિકળી પડયા છે.જેમને છુટા કર્યા એમના પ્રશ્નો મે સાંભળ્યા છે.કોંગ્રેસને વિરોધ પક્ષની ભૂમિકા ભજવતા પણ નથી આવડતી.બધા સરકારી અધિકારીઓ અમારું માને જ છે, અમે જે કહીએ એ થાય છે.હું કોઈના કહેવાથી શું કરવા રાજીનામું આપુ, રાજીનામું કોંગ્રેસ નેતાઓએ આપવું જાેઈએ.અનંત પટેલ હવાતિયાં મારવા નિકળી પડ્યા છે, એમના વિસ્તારમા એમનું ઉપજતું નથી એટલે બીજા જિલ્લામાં વાત કરી રહ્યા છે.