અમદાવાદ-

કોરોનાના કહેર વચ્ચે પક્ષીઓમાં બર્ડ ફ્‌લુની આશંકાએ સમગ્ર રાજ્યમાં સરકાર હરકતમાં પશુપાલન વિભાગ દ્વારા તમામ વેટરનીટી ઓફિસરોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. વન વિભાગ દ્વારા આરએફઓને પણ પક્ષીઓના મોત બાબતે ત્વરીત પગલાં લેવા જાણ કરાઈ છે. જે જીલ્લામાં હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી તે જીલ્લામાં તકેદારીના ભાગરૂપે સતર્કતા દાખવામાં આવી રહી છે. 

હાલમાં જ્યારે બર્ડ ફ્‌લુના વાયરસે ફરી માથું ઉંચક્યું છે ત્યારે રાજયમાં તમામ પશુ દવાખાના હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. કોઈ પણ સ્થળે એક કરતા વધુ પક્ષીઓ મૃત હાલતમાં જણાઈ આવે તો શંકાસ્પદ બર્ડ ફ્‌લુને ધ્યાને રાખી તેના સેમ્પલ ભોપાલ સ્થિત લેબોરેટરીમાં મોકલવામાં આવશે. જંગલ વિસ્તાર તેમજ સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં પક્ષીઓ મૃત હાલતમાં ક્યાંય દેખાય તો નજીકના પશુ દવાખાનામાં જાણ કરવા સૂચનાઓ પણ આપી દેવાઈ છે. જિલ્લામાં અત્યાર સુધી એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોનાના કહેર વચ્ચે પક્ષીઓમાં બર્ડ ફ્‌લુ વાયરસે પગપેસારો કર્યો હોવાના સમાચારે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. માણસો કોરોનાથી ફફડી રહ્યા છે તેવી રીતે પક્ષીઓમાં બર્ડ ફ્‌લુ નામનો ઘાતક વાયરસ ફરીથી દેખાયો હોવાના અહેવાલોને પગલે ગુજરાત સરકાર પણ હરકતમાં આવી ગઈ છે. રાજ્યમાં હજુ સધુી બર્ડ ફ્‌લુનો ચાલુ સિઝનમાં કેસ નોંધાયો નથી, પરંતુ જેમ કોરોનાથી બચવા તકેદારીના પગલો લેવામાં આવ્યા તેમ પક્ષીઓને આ ઘાતક વાયરસમાંથી બચાવવા માટે તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી દેવાઈ છે.