સુરત, હીરા ઉદ્યોગમાં વૈશ્વિક મંદીના માહોલને પગલે સુરતમાં વિકસેલા કાચા હીરાને કટ એન્ડ પોલિશ કરવાના વિશ્વના સૌથી મોટા ઉદ્યોગ સાથે સંકળાયેલા અંદાજે ૮ લાખથી વધુ રત્નકલાકારો આર્થિક સંકડામણમાં મૂકાયા હોવાની ફરીયાદો સાથે રત્નકલાકારો માટે રાહત પેકેજની માગણી રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ માટે સુરતના બે મંત્રીઓ હર્ષ સંઘવી અને પ્રફુલ પાનશેરિયા સાથે સરકારના બે અધિકારીઓની એક કમિટી બનાવીને રત્નકલાકારો માટે શું થઇ શકે તે માટે સ્કીમ તૈયારક રવાની સૂચના આપી હતી. આ કમિટીએ રત્નકલાકારો માટે એક રાહત પેકેજ તૈયાર કરીને સરકાર સમક્ષ રજૂ કર્યું હતું જેને મુખ્યમંત્રીએ લીલીઝંડી આપતા આજે સુરત ખાતેથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રત્નકલાકાર રાહત પેકેજની ઘોષણા કરી હતી. રાહત પેકેજમાં છેલ્લા એક વર્ષથી બેરોજગાર બનેલા રત્નકલાકારોના સંતાનોની એક વર્ષની શાળાની ફી પેટે વધુમાં વધુ રૂ.૧૩૫૦૦ આર્થિક સહાય કરવામાં આવશે. નાના હીરાના કારખાનેદારોને વીજળી બિલમાં વસૂલ કરવામાં આવતી ડ્યૂટી માફ કરવાની પણ યોજના જાહેર કરવામાં આવી છે. રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરતા ગૃહ અને ઉદ્યોગરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હીરા ઉધોગ સાથે સંકળાયેલા બે પ્રકારના લોકો જેમાં (૧) રત્નકલાકારો અને (૨) નાના હીરાના કારખાનેદારો માટે યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ રાહત પેકેજનો સમયગાળો ફક્ત એક જ વર્ષ માટે છે. યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ પુરાવા સાથે અરજી કરવાની રહેશે. સુરત સમેત ગુજરાતભરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો અને નાના યુનિટ ધારકોને આ યોજનાનો લાભ મળશે. યોજનાના અમલીકણ માટે દરેક જિલ્લા કક્ષાએ ૮ સભ્યોની કમિટી કાર્યરત કરવામાં આવશે. જેમાં મેમ્બર્સ તરીકે (૧) અધ્યક્ષ તરીકે જે તે જિલ્લાના કલેક્ટર, (૨) જિલ્લા શ્રમ અધિકારી (૩) જિલ્લા રોજગાર અધિકારી (૪) જિલ્લા શિક્ષણ અધિકારી (૫) જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (૬) લીડ બેંકના ઓફિસર (૭) ડાયમંડ એસોસીએશનના પ્રતિનિધિ અને (૮) જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત કમિટી યોજનાના લાભાર્થીઓ પાસેથી મળેલી અરજીઓનું વેરિફિકેશન કરશે અને ગુણદોષના આધારે અરજી મંજૂર નામંજૂર કરવામાં આવશે. મંજૂર થયેલી અરજીઓના અરજદારોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી તેમના બેંક એકાઉન્ટમાં રકમ જમા કરાવવામાં આવશે. અરજી જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પરથી જમા કરાવવાની રહેશે.
તા.૩૧ માર્ચ ૨૦૨૪ પછી બેકાર બનેલા રત્નકલાકાર માટેની યોજના
સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરીષદમાં રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરતા ગૃહ અને ઉદ્યોગરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રત્નકલાકારો માટેના રાહત પેકેજની અવધિ ફક્ત એક જ વર્ષ માટે છે. તા.૩૧ માર્ચ ૨૦૨૪ પછી નોકરીમાંથી છૂટા (બેકાર) થયેલા એવા રત્નકલાકાર કે જેણે ઓછામાં ઓછું છેલ્લા ત્રણ વર્ષથી કોઇપણ હીરાના કારખાનામાં નોકરી કરેલી હોય તેવા ૨૧ વર્ષની વયના રત્નકલાકારના સંતાનને શાળાકીય ફીમાં ૧૦૦ ટકા ફી માફી જેમાં વધુમાં વધુ રકમ વાર્ષિક રૂ.૧૩૫૦૦ ચૂકવવામાં આવશે. રત્નકલાકારે અરજી સાથે પુરાવા રજૂ કરવાના રહેશે. આ યોજનાનો લાભ મેળવવા માટે રત્નકલાકારે ૨૩મી જુલાઇ ૨૦૨૫ પહેલા અરજી કરી દેવાની રહેશે. રત્નકલાકારે પોતા રત્નકલાકાર હોવા અંગે જિલ્લા શ્રમ અધિકારી, રોજગાર અધિકારી કે ડાયમંડ એસોસીએશન દ્વારા આપવામાં આવેલું ભલામણપત્ર રજૂ કરવાનું રહેશે. રત્નકલાકારે પોતાના સંતાનોની વાર્ષિક ફી અંગેનું પ્રમાણપત્ર શાળા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે. તદુપરાંત રત્નકલાકારે પોતાનું સંતાન શાળામાં નિયમિત અભ્યાસ કરતું હોવાનું પ્રમાણપત્ર શાળા પાસેથી મેળવીને રજૂ કરવાનું રહેશે. આ યોજના ફક્ત ૨૦૨૫-૨૬ એક જ વર્ષ માટે મર્યાદિત છે.
આત્મહત્યા કરી ચૂકેલા રત્નકલાકારોના પરિવારજનોને રૂ.૪ લાખ સહાય ચૂકવાશે
સુરત સર્કિટ હાઉસ ખાતે પત્રકારોને સંબોધતા ગૃહરાજ્ય અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે અંદાજે ૬૨ જેટલા રત્નકલાકારો અત્યાર સુધીમાં આર્થિક ભીંસને કારણે આત્મહત્યા કરી ચૂક્યા છે. આવા કિસ્સામાં ખરેખર વાસ્તવિક કારણો વેરીફાય કરીને જે તે રત્નકલાકારોના પરીવારજનોને રૂ.૪ લાખની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ મુદ્દા પર સ્થાનિક હીરા ઉદ્યોગના આગેવાન દિનેશ નાવડીયાએ જણાવ્યું કે આ પ્રકારના આર્થિક સહાય અત્યાર સુધી આત્મહત્યા કરનાર રત્નકલાકારોના પરીવારજનોને જ ચૂકવાશે. હવે પછી આવા કિસ્સામાં રાજ્ય સરકાર એક પણ રૂપિયો સહાય ચૂકવવાની નથી.
એકલ-દોકલ હીરાની ઘંટીઓ ચલાવતાં નાના એકમો માટેની યોજના
માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ એટલે કે જે એકમમાં રૂ.૨.૫ કરોડથી ઓછું મૂડીરોકાણ થયું હોય તેવા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નોંધાયેલા હીરાના નાના કારખાનાઓ કે જેમાં મર્યાદિત હીરાની ઘંટીઓ ચાલતી હોય તેવા યુનિટોના માલિકો કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી હીરાનો ધંધો કરતા હોય. તેમનું ચાલુ વર્ષનું વીજળી બિલ અગાઉના વર્ષના વીજળી બિલ કરતા ૨૫ ટકા જેટલું ઘટ્યું હોય તેવા યુનિટોના માલિકોને તેમણે લીધેલા બેંક રૂ.૫ લાખ સુધીના જ લોન ધિરાણ પર ભરેલા વ્યાજ સામે વધુમાં વધુ ૯ ટકાની મર્યાદામાં ઇન્ટરેસ્ટ સબસિડી ત્રણ વર્ષ માટે ચૂકવવામાં આવશે. ઇન્ટરેસ્ટ સબસિડી ફક્ત ટર્મ લોન પર જ ચૂકવવા પાત્ર છે. તદુપરાંત વીજળી બિલમાં વસૂલવામાં આવતી ડ્યૂટીમાંથી એક વર્ષ માટે મુક્તિ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે તા.૨૩મી જૂન પહેલા યુનિટ ધારકે અરજી કરવાની રહેશે.
એકેય માગણી સ્વીકારી નહીં છતાં કાગળ પર ચાલતા સંગઠન, ડાયમંડ વર્કર યુનિયને રાહત પેકેજને આવકાર્યું
રત્નકલાકારોના હામી હોવાનો દાવો કરીને અચોક્કસ મુદતની હડતાળનું એલાન આપ્યા બાદ અડધો દિવસ હીરા ઉદ્યોગ બંધ નહીં રખાવી શકેલા, કાગળ પર ચાલતા સંગઠન, ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે આજે અજીબોગરીબ અખબારી યાદી આપી હતી. ડાયમંડ વર્કર યુનિયન, ગુજરાતના નેજા હેઠળ ભાવેશ ટાંક અને તેમના પ્રતિનિધિઓએ સરકારને કેટલીક માગણીઓની યાદી સુપરત કરી હતી, તેમાંથી એકપણ માગણી રાહત પેકેજમાં સમાવવામાં આવી નથી, આમ છતાં ભાવેશ ટાંકે આજે બેરોજગાર બનેલા રત્નકલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરવાની જાહેરાતને આવકાર આપ્યો હતો. જાેકે, પોતાના નિવેદનમાં ભાવેશ ટાંકે ફરીથી એ વાત દોહરાવી હતી કે રત્નકલાકારો માટે રત્નકલાકાર કલ્યાણ બોર્ડ, રત્નદીપ યોજના,આપઘાત કરતા રત્નકલાકારોના પરિવાર ને આર્થિક મદદ, વ્યવસાય વેરો નાબૂદ, હીરાઉધોગ મા મજુર કાયદાનું પાલન, મોંઘવારી મુજબ રત્નકલાકારો ના પગાર વધારો કરાવવા માટે ઉચ્ચસ્તરીય સમિતિ ની રચના કરી જાેઈએ.
રાજકીય લાભ ખાટવા રત્નકલાકારોને રાહત પેકેજ અપાયું: દર્શન નાયક, કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી
ગુજરાત કોંગ્રેસના મહામંત્રી દર્શન નાયકે જણાવ્યું કે જાે રાજ્ય સરકારે ખરેખર જ રત્ન કલાકારોની વહારે આવવું હોય તો આનાથી વધુ સારું પેકેજ આપી શકાયું હોત પરંતુ અમારું એવું દ્રઢ પણે માનવું છે કે રત્ન કલાકારો માટેનું આ રાહત પેકેજ સાવ ઉતાવળે અને રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવ્યું છે. હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્ન કલાકારો માટે સૌથી પ્રથમ રત્નકલાકાર બોર્ડની રચના કરવામાં આવે સત્તાવાર રીતે તેનો સર્વે કરવામાં આવે અને સર્વે વેરીફાઇ થયા પછી વાસ્તવિક રીતે રત્નકલાકારોને શું મદદ કરી શકાય એ યોજના તૈયાર કરવામાં આવે તેમજ રત્નકલાકારો માટે લઘુતમ મહેનતાણું નક્કી કરવામાં આવે અને સરકાર દ્વારા રત્ન કલાકારો માટે રત્ન કલાકાર આવાસ યોજના શરૂ કરવામાં આવે જેથી લાંબા ગાળા માટેના ફાયદાઓ અને રાહત હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખો રત્ન કલાકારો સુધી પહોંચાડી શકાય.
દર્શન નાયકે જણાવ્યું કે અમારી ઉપરોક્ત માગણી તાત્કાલિક અસરથી સ્વીકારી રત્નકલાકારોને આપવામાં આવતા ઉચ્ચક વેતન, મહેનતાણા કે પગારની બાબતમાં દરમિયાનગીરી કરીને એક એવી વ્યવસ્થા ગોઠવે કે જેમાં દરેક રત્નકલાકારોને લઘુતમ વેતન કે મહેનતાણું સહિતની અન્ય સુવિધાઓ મળે જેથી રત્નકલાકારો તેમના પરીવારનું ગુજરાન ચલાવવા સક્ષમ બને, નહીં તો આ રાહત પેકેજ લાખો બેરોજગાર રત્નકલાકારોની ક્રૂર મજાક ઉડાડતું, ગરીબોના નિસાસા લેતું નિસહાય પેકેજ જ ગણવું રહ્યું.
રાહત પેકેજના નોટિફિકેશનમાંથી બેરોજગાર શબ્દ પ્રયોગ હટાવવા માગણી કરાશે
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને રાજ્ય સરકાર પાસેથી રાહક પેકેજ મેળવવામાં જેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે એવા ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન દિનેશ નાવડીયાએ હીરા ઉદ્યોગના રત્નકલાકારો અને નાના કારખાનેદારો માટે જાહેર કરાયેલા રાહત પેકેજને આવકારીને જણાવ્યું હતું કે સરકારના આ પગલાંથી અનેક પરીવારોના મંદીના સમયમાં આર્થિક રાહત મળશે. દિનેશ નાવડીયાએ કહ્યું કે બેરોજગાર રત્નકલાકારોને જ લાભાર્થી તરીકે જાેડવાના ર્નિણય પર ફેરવિચારણા કરવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવશે. બેરોજગારની જગ્યાએ એવા રત્નકલાકારો કે જેમનો પગાર ત્રીસ ટકા કે તેનાથી વધુ ઘટી ગયો છે તેમને લાભાર્થી બનાવવા માટેની માગણી કરવામાં આવશે.
હીરા ઉદ્યોગમાં બેકારીનો પ્રશ્ન જ નથી, લાભાર્થીઓને શોધવા જવું પડે તેવી સ્થિતિ
ગુજરાત સરકારે આજે સુરત ખાતેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. રાહત પેકેજમાં એવા રત્નકલાકારોને આર્થિક સહાય કરવાની વાત કરવામાં આવી છે જે રત્નકલાકાર છેલ્લા એક વર્ષથી બેરોજગાર હોય. સુરત હોય કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં ચાલતી હીરાની ઘંટીઓ હોય, હીરા ઉદ્યોગમાં બેરોજગારીનો પ્રશ્ન જ નથી. ઉલ્ટાનું બ્યૂટર અને ગેલેક્સી સિવાય બાકીના તમામ સેગમેન્ટમાં રત્નકલાકારોની ઘટ છે અને એ પણ ૧૫ ટકા જેટલી મોટી ઘટ પડી રહી છે. અનેક હીરાના કારખાનાઓમાં આજે પણ રત્નકલાકારોની ડિમાંડ છે. આવી સ્થિતિમાં રાહત પેકેજના લાભાર્થીઓ એટલે કે બેરોજગાર હોય તેવા રત્નકલાકારોને શોધવા જવું પડે તેવી સ્થિતિ છે. સૌથી મોટી સમસ્યા એ પણ છે કે રત્નકલાકારની વ્યાખ્યા કોણ નક્કી કરશે. રત્નકલાકારો જ્યાં કામ કરીને રોજગારી મેળવે છે તેમને અનેક હીરા ઉદ્યોગપતિઓએ કોઇપણ પ્રકારની સત્તાવાર ઓળખ (આઇડેન્ટીટી) આપી નથી અને આપી છે તો તેઓ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારી તરીકે આપી છે. સુરત ડાયમંડ એસોસીએશન પાસે રત્નકલાકારો અંગેના કોઇ ડેટાબેઝ નથી કે તેઓ પ્રમાણિત કરી શકે કે જે તે વ્યક્તિ રત્નકલાકાર તરીકે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત હતો અને એક વર્ષથી બેકાર છે. આ પ્રકારના પુરાવા મળી શકે તેમ નથી તેને મારી મચડીને ઉભા કરવા પડે તેવી સ્થિતિ છે. આજે રાહત પેકેજ જાહેર થયા પછી હીરા બજારોમાં એવી ચર્ચા સાંભળવા મળી હતી કે છેલ્લા ચાર વર્ષ પૈકી ત્રણ વર્ષથી રત્નકલાકાર તરીકે કામ કરતો હોય અને છેલ્લા વર્ષમાં બેરોજગાર થયા હોય તેવા રત્નકલાકારના સંતાનને વધુમાં વધુ રૂ.૧૩૫૦૦ ફી અને એ પણ ફક્ત એક જ વર્ષ માટે સરકાર ચૂકવશે. આ રકમ માટે રત્નકલાકારોએ એટલી લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે કે જેમાં ક્યાંકને ક્યાંક કોઇકને કોઇક દસ્તાવેજ ઉપજાવી કાઢવો પડે તેમ છે અને એથી વિશેષ મોટા ભાગના રત્નકલાકારોના સંતાનો એવી સ્કુલોમાં છે જ્યાં ૧૩૫૦૦ રૂ.ની ફી સહાય કુલ ફીના ૨૦થી ૨૫ ટકા જ છે. આટલી સહાય મેળવવા માટે ખૂબ મોટી પળોજણમાં પડવું શું કામ? આવી ચર્ચા પછી એવું સ્પષ્ટ જણાય છે કે રાહત પેકેજના લાભાર્થીઓનો શોધવા જવું પડશે. તદુપરાંત હીરા ઉદ્યોગના રાહત પેકેજમાં ટેકનિકલ પ્રશ્ન એ પણ આવશે કે નાના યુનિટોમાં હીરાની ઘંટીઓ ચલાવતા મોટા ભાગના કારખાનેદારોએ જે તે જગ્યા ભાડે રાખી છે, ભાડે લીધા હોય તેવા કારખાનાઓમાં કારખાનેદારો પોતાના નામે દસ્તાવેજાે કેવી રીતે બનાવી શકશે?
Loading ...