શહેરના સૌથી લાંબા અટલ ઓવરબ્રિજ પર વધુ એક અકસ્માત ઃ બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં ટ્રાફિક જામ
24, ફેબ્રુઆરી 2023

વડોદરા, તા.૨૨

વડોદરા શહેરમાં બનેલા સૌથી લાંબા ઓવરબ્રિજ પર જૂના પાદરા રોડ પર ટયૂબ કંપનીના કટ પાસે આજે વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ ઓવરબ્રિજ પર બે ફોર વ્હીલર ગાડીઓ વચ્ચે અકસ્માત થતાં અફરાતફરીના માહોલ સાથે ટ્રાફિક જામનાં દૃશ્યો સર્જાયાં હતાં. બંને કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થતાં તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ બનાવને પગલે જે.પી. રોડ પોલીસ દોડી આવી હતી અને અકસ્માત ગ્રસ્ત કારોને હટાવી ટ્રાફિક રાબેતા મુજબ કર્યો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ વડોદરા શહેરના સૌથી લાંબા અટલ ઓવરબ્રિજનું લોકાર્પણ થયા બાદ સંખ્યાબંધ વાહનોની અવરજવર હોય છે. આ બ્રિજ પર અવારનવાર અકસ્માતો થયા છે, જેમાં કેટલાકના મોત પણ નીપજ્યાં હતાં. કેટલીક વખત વાહનચાલકોની ઓવર સ્પીડના કારણે અકસ્માતના બનાવો બનતા હોય છે તો કેટલાક લોકો સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા હોવાના કારણે અકસ્માતો થાય છે.

તેવા સમયે આજે વધુ અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. આજે સાંજના સમયે એક ઈકો કારનો ચાલક સૌથી લાંબા અટલ ઓવરબ્રિજ પરથી પૂરઝડપે જૂના પાદરા રોડ ટયૂબ કંપનીના કટ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બ્રિજના ડિવાઈડર સાથે ઈકો કાર ધડાકાભેર અથડાઈ હતી. ઈકોની પાછળ આવતી એકસયુવી કાર ધડાકાભેર ઈકો કાર પાછળ ઘૂસી ગઈ હતી, જેના લીધે અટલ ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો.

નસીબજાેગ કારની એરબેગ ખૂલી જતાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ નાની મોટી ઈજાઓ થતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં લઈ જવાયા હતા. અકસ્માતના બનાવને પગલે ઓવર બ્રિજ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. આ બનાવની જાણ જે.પી. રોડ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિક રાબેતા મુજબ શરૂ કરાયો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution