માંડવી. માંડવી નગર અને તાલુકામાં કોરોના કોસોનો રાફડો ફાટતા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માંડવી નગર આપ પાર્ટી દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો ૨૩-બારડોલી લોકસભાનાં સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં જણાવવામાં આવ્યું હતું. બંનેની મહેનત રંગ લાવતા માંડવી સરકારી હોસ્પિટલ ખાતે કોવિડ કેર સેન્ટરની પરવાનગી મળતા તેનું ઉદ્દઘાટન સાંસદ પ્રભુભાઈ વસાવનાં હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે દિન-પ્રતિદિન વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતા માંડવી ખાતે શરૂ કરવામાં આવેલ કોવિડ કેર સેન્ટર નગર અને તાલુકાનાં પ્રજાજનો માટે સંજીવની સમાન સાબિત થશે. તેમજ આપવામાં આવેલ તમામ સુવિધાઓમાં વધારો થાય તે માટે હમો સતત કાર્યરત છીએ. જરૂરી સુવિધાઓ જેમકે વેન્ટિલેટર, બેડ, ઇન્જેક્શન, દવા તથા અન્ય જરૂરી સામગ્રી સંપૂર્ણ પણે ઉપલબ્ધ કરવામાં આવશે. માંડવી નગર આપ પાર્ટીનાં સહમંત્રી શૈલેષભાઇ પ્રજાપતિ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ કરવા પ્રાંત અધિકારીને અપાયેલ આવેદનપત્ર ને ધ્યાનમાં લેવા બદલ પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.