લોકસત્તા ડેસ્ક 

કોફી એ આપણા જીવનનો મહત્ત્વનો ભાગ છે. આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણી વખત કોફી પીએ છીએ. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સામાન્ય રીતે કોફી પસંદ કરતા લોકો એક દિવસમાં 3થી 5 કપ કોફી પી જાય છે એટલે કે એક દિવસમાં એક વ્યક્તિ 400 મિલીગ્રામ કોફી પીવે છે.

અમેરિકાની નેશનલ કેન્સર સ્કૂલના સંશોધનકર્તા એરિકા લોફ્ટફિલ્ડના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન સતત એ જાણવા મળ્યું કે કોફીનો મૃત્યુ સાથે કોઈ સંબંધ નથી. એટલે કે કોફી એવી વસ્તુ નથી, જેના સામાન્ય ઉપયોગથી કોઈના જીવનને ગંભીર અસર થાય.

- વર્ષોથી, લોકો એવુ માનતા આવ્યા છે કે કોફી કેન્સરનું કારણ બની શકે છે. પરંતુ 2015માં અમેરિકી એડવાઈઝરી કમિટીએ ડાયટને લઈને જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈને લોકોની કોફી વિશે વિચારવાની રીત બદલી દીધી. પહેલી વખત એવું થયું કે,આ કમિટીએ કોફીના નોર્મલ યુઝને હેલ્ધી ડાયટનો હિસ્સો ગણાવ્યો હતો.

-ત્યારબાદ 2017માં બ્રિટિશ મેડિકલ જર્નલે લખ્યું કે, કોફીનો સામાન્ય ઉપયોગ વધુ ફાયદાકારક અને ઓછો નુકસાનકારક છે. બ્રિટિશ મેડિકલ જર્નલના લેખકોએ 200 રિસર્ચની સમીક્ષા કરતા લખ્યું છે કે સામાન્ય રીતે કોફી પીનારાઓને હૃદય સંબંધિત બીમારીઓ ઓછી થાય છે.

-ડોક્ટર ગિયુસ્પે ગ્રોસોના જણાવ્યા પ્રમાણે, એક દિવસમાં ત્રણથી પાંચ કપ કોફી પીવાથી ટાઇપ -2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે. કોફીનું સૌથી ફાયદાકારક પાસું એ છે કે તેના ઉપયોગથી શરીરમાં પોલિફેનલ બની શકે છે, જે શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારે છે.

-કોફી માટે ઘણા લોકો એડિક્ટ થઈ જાય છે, તેના માટે હંમેશા ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. અમેરિકાની કેટલીક સંસ્થા કોફીથી થતાં નુક્સાન પર રિસર્ચ કરી રહી છે. અત્યાર સુધી તેના નુક્સાન માટે અનેક બાબતો કહેવામાં આવી છે જોકે તે એક પ્રકારનું અનુમાન જ છે. વધારે કોફી પીવાથી શું નુક્સાન થાય છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.



- જે મહિલાઓ ગર્ભવતી છે તેમના માટે કોફી નુક્સાનકારક છે, આ વાત પણ અનેક રિસર્ચમાં સામે આવી ચૂકી છે. કોફીનાં સેવનથી શરીરમાં કૈફીનની માત્રા વધે છે, જે ગર્ભમાં રહેલા બાળક માટે યોગ્ય નથી.

-ઈડનબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર જૉનથન ફોલોફિલ્ડ જણાવે છે કે, કોફીથી આપણને હેલ્થ બેનિફિટ મળી શકે છે, પરંતુ હમણાં મને તે વિશે સંપૂર્ણ ખાતરી નથી.

-તમે કેવા પ્રકારની કોફી બનાવો છો ડાર્ક કે લાઈટ? કોફી બીન્સને ગ્રાઈન્ડ કરીને કે નોર્મલ? આ રીતથી કોફીના ટેસ્ટમાં ફરક પડે છે, પરંતુ અમેરિકન નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટમાં સીનિયર સંશોધક નિયલ ફ્રીડમેન જણાવે છે કે, કોફીથી થનારા ફાયદાઓ પર પણ ફરક પડે છે. કેટલો ફરક પડે છે તેના પર રિસર્ચ ચાલી રહ્યું છે.


- એક્સપર્ટ નિયલ ફ્રીડમેન ઉદાહરણ આપતા જણાવે છે કે, ઘણા લોકો કોફી બીન્સ રોસ્ટ કરીને કોફી બનાવે છે, જે કોફીના ક્લોરોજેનિક એસિડની માત્રા ઓછી કરે છે. એસ્પ્રેસો કોફીમાં પાણીનો ઓછો ઉપયોગ થાય છે, જેથી તેમાં કોફી કમ્પાઉન્ડ્સની માત્રા વધારે હોય છે.

- જામા ઈન્ટર્નલ મેડિસીને બ્રિટનમાં 5 લાખ લોકોની કોફી હેબિટ પર રિસર્ચ કર્યું હતું. તેમાં જોવા મળ્યું કે તમામ પ્રકારની કોફીનું સેવન કરતા લોકોમાં કોઈ ખાસ ફરક પડતો નથી, પરંતુ ક્વિક કોફી અર્થાત ઝડપથી કોફી તૈયાર કરીને તેનું સેવન કરતા લોકોમાં વધારે એસિડ બનતું જોવા મળ્યું હતું. જામા ઈન્ટર્નલ મેડિસીનમાં અસિસ્ટન્ટ પ્રોફેસર સી. કોર્નેલિસના જણાવ્યા પ્રમાણે, અલગ અલગ રીતે તૈયાર કરેલી કોફીનું સેવન કરવાથી કોલેસ્ટેરોલનું લેવલ વધ-ઘટ થઈ શકે છે.