વડોદરા, તા. ૭

હરણી લેકઝોન દુર્ઘટના કેસમા પોલીસે વધુ બે પોલીસ આરોપીઓની ધરપકડ કરી છે. કોટિયા પ્રોજેક્ટના પાંચ પાંચ ટકાના વધુ બે ભાગીદાર દિપેન શાહ અને ધર્મિલ શાહ આજે મુંબઇથી વકલીને મળવા વડોદરા આવ્યા અને પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે બંન્ને આરોપીની સઘન પુછપરછ શરૂ કરી છે. જયારે આજરોજ પરેશ શાહ અને ગોપાલ શાહના રિમાન્ડનો સમય પૂર્ણ થતા બંન્ને કોર્ટમાં રજુ કરવામા આવ્યા હતા. ત્યારે કોર્ટે બંન્ને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.

ગત ૧૮ જાન્યુઆરીના દિવસે ન્યુ સનરાઇઝ હાઇસ્કૂલના ૧૨ માસુમ બાળકો અને ૨ શિક્ષિકાઓનો હરણી બોટ દુર્ઘટનામાં મૃત્યુ નીપજયુ હતું. પોલીસે ત્યારબાદ ૧૪ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. જયારે બોટના કાંડના મુખ્યા આરોપી પરેશ શાહના પરિવાર સહિત બાકીના ૬ જેટલા આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. બોટ કાંડમાં કોટિયા પ્રોજેક્ટમાં પાંચ પાંચ ટકાના ભાગીદાર દિપેન હિતેન્દ્રભાઇ શાહ અને ધર્મિલ ગીરીશભાઇ શાહની આજ રોજ ધરપકડ કરવામાં આવી છે. બંન્ને આરોપીઓ મુંબઇ હતા અને ત્યાંથી વકીલને મળવા વડોદરા આવ્યા હતા, તે સમયે અમારી ટીમે ચકલી સર્કલ પાસેથી ઝડપી પાડ્યા હતા. પોલીસે ઝડપાયેલા બંન્ને આરોપીની પુછપરછ ચાલુ છે. આવતીકાલે બંને આરોપીને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે. દિપેન અને ધર્મિલ કોટીયા પ્રોજેક્ટમાં પાંચ પાંચ ટકાના ભાગીદાર છે. જયારે ૨૦ ૨૦ દિવસ વિત્યા છતા પણ બોટકાંડના મુખ્ય આરોપી પરેશ શાહનો પરિવાર તેમજ ધર્મિન ભટાણી હજુ પોલીસ પકડથી દુર છે.

ઇન્ટરનલ ઇન્કવાયરી પૂર્ણ થયા બાદ કાર્યવાહી કરાશે

સ્કૂલ સંચાલકો અને પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી અંગે ડીસીપી ઝોન -૪ પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ અને પાલિકા બંનની પાસે ઇન્ટરનલ અહેવાલની માંગણી કરી છે. જેમા પાલિકાએ જવાબ આપ્યો છે કે, તેઓની ઇન્ટરનલ ઇન્કવાયરી ચાલી રહી છે. તેમની ઇન્કવાયરી પૂર્ણ થયા પછી તેઓ અમને અહેવાલ આપશે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત શિક્ષણ વિભાગ પાસેથી પણ રિપોર્ટ મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

-તો ફરાર આરોપીની પ્રોપર્ટી જપ્ત થશે

બોટ કાંડમાં ઝડપાયેલા ૧૬ આરોપીઓ પૈકી હાલ હજુ બોટ દુર્ઘટનાના ૨૦ દિવસ બાદ પણ ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ચાર આરોપીમાં બોટકાંડનો મુખ્ય સૂત્રધાર પરેશ શાહની પત્ની, પુત્ર અને દીકરી સહિતનો પરિવાર તેમજ ધર્મિન ભટાણી ઝડપાતાં નથી. તેમજ ચારેય આરોપીઓનું કલમ ૭૦ મુજબનું વોરંટ ઇશ્યૂ કરાયું છે. વોરંટના એક મહિના પછી પણ આરોપી ન ઝડપાઇ તો ચારેયની પ્રોપર્ટી જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે.

લેક ઝોનના સંચાલકોએ એમઓયુની શરત અનુસાર ઇન્શ્યોરન્સ પણ લીધો ન હતો!

વડોદરા, તા. ૭

હરણી લેક ઝોન બોટ દુર્ઘટનામાં કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે. કોર્પોરેશન દ્વારા કોટીયા પ્રોજેક્ટ સાથે કરવામાં આવેલા એમઓયુમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ફરજીયાત લેવાની શરત પણ રાખવામાં આવી હતી. જાેકે, ૧૮મી જાન્યુઆરીએ જયારે ઘટના બની અને ૧૪ હતભાગીના જીવ ગયા ત્યારે કોટીયા પ્રોજેક્ટના સંચાલકો દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો ન હોવાનું સપાટી પર આવ્યું છે. પોલીસ દ્વારા પણ આ દિશામાં તપાસ કરાવમાં આવી રહી છે. ત્યારે કોપોરેશન દ્વારા જવાબદારીમાંથી છટકવાની તૈયારીઓ કરાઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ અધિકારીની જવાબદારી બનતી નથી. ત્યારે એમઓયુની શરતોનું પાલન ન થાય તો તે જાેવાની જવાબદારી કોર્પોરેશનની નથી બનતી તે પણ એક પ્રશ્ન છે.

વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા લેક ઝોનમાં ૧૮મી જાન્યુઆરીના રોજ વાઘોડિયા રોડની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસે આવ્યા હતા. પ્રવાસ દરમિયાન તેઓ બોટમાં સવાર હતા ત્યારે બોટ ઓવરલોડ હોવાના કારણે ઉંધી વળી ગયા હતી. જેમાં લાઈફ જેકેટ ન પહેર્યા હોવાના કારણે ૧૨ વિદ્યાર્થી અને બે શિક્ષકના ડૂબી જવાથી મોત થયા હતા. જેમાં એક તરફ જિલ્લા કલેકટર તપાસ કરી રહ્યા છે અને બીજી તરફ પોલીસ દ્વારા પણ તપાસ કરાઈ રહી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા કોટીયા પ્રોજેક્ટ સાથે કરવામાં આવેલા એમઓયુમાં તમામ જવાબદારી કોન્ટ્રાકટરની બને છે તેમ કહી જવાબદારીમાંથી છટક બારી શોધવામાં આવી રહી છે. પરંતુ પોલીસ તપાસ દરમિયાન કોર્પોરેશનની વધુ એક બેદરકારી સામે આવી છે. કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા એમઓયુમાં કોન્ટ્રાકટરની જવાબદારી નક્કી કરવામાં આવી હતી. તેની સાથે સાથે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવાની પણ શરત હતી. તેમ છતાં ઘટના બની ત્યારે કોન્ટ્રાકટર દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો ન હોવાનું સામે આવ્યું છે. જે દિશામાં પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે કોર્પોરેશન દ્વારા નવેમ્બર મહિનામાં લેક ઝોન ખાતે ચેકીંગ કરવામાં આવ્યું હતું. તો શું તે સમયે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હતો કે કેમ તે પણ એક તપાસનો વિષય છે. જાે હતો તે બાદ ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો હતો કે નહીં તે પણ તપાસનો વિષય છે.

ગોપાલ શાહનો રૂઆબ ઓછો થતો નથી

૧૮ જાન્યુઆરીના રોજ હરણી તળાવમાં બનેલી ઘટનામાં મુખ્ય આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહના રિમાન્ડ પૂર્ણ થતા આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં રજૂ કરવા પોલીસે બંન્ને આરોપીને કોર્ટમાં લાવવામાં આવ્યા ત્યારે ૧૪ લોકોનો ભોગ લેનાર ગોપાલ શાહ હસતા મોઢે ચાલતા ચાલતો કોર્ટ પરિસરમાં મીડિયાકર્મીઓને કહ્યું થઇ ગયો સંતોષ તેમ કહી પોતાનો રૂઆબ બતાડી રહ્યો હતો જાણે તેનો બોટ કાંડમાં કોઇ રોલ જ નથી.