કોરોના વાયરસ મહામારીના લીધે લગાવવામાં આવેલા લોકડાઉન બાદ હાર્દિક પંડ્યા પહેલીવાર સાર્વજનિક સ્થળ પર જોવા મળ્યા હતા. તે પોતાના મોટા ભાઇ કૃણાલ પંડ્યા સાથે વડોદરા પહોંચ્યા હતા. અહીં ગુરૂવારે બંને ભાઇએ વડોદરા ક્રિકેટ એસોસિએશનના અંડર-19 ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. બંને ભાઇ મેદાનમાં જોવા મળ્યા હતા અને જૂનિયર ક્રિકેટર સાથે વાતચીત કરતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન સોશિયલ ડિસ્ટેસિંગનું પુરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. તમામ જૂનિયર ખેલાડી અંતર જાળવીને મેદાનમાં બેસેલા જોવા મળ્યા હતા.

આ અંડર-19 ખેલાડીઓ માટે આ સોનેરી તક હતી કારણ કે તેમની મુલાકાત 2 આંતરરાષ્ટ્રીય ખેલાડી સાથે થઇ. પંડ્યા બ્રધર્સએ જૂનિયર ક્રિકેટર્સને રમત સંબંધી જરૂરી સલાહ આપી અને પોતાના અનુભવ શેર કર્યા. લોકડાઉનના લીધે આ ખેલાડીઓ અત્યાર સુધી પ્રેકટિસથી દૂર હતા, પરંતુ ધીમે ધીમે મેદાનમાં પરત ફરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ આ દરમિયાન મહામારીને જોતાં સાવધાની વર્તવી જરૂરી છે. સરકારી આંકડા અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 28,943 કેસ સામે આવ્યા છે અને અહીં 1753 લોકોના આ બિમારીના મોત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના ગુરૂવારે વધુ 44 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2042 ઉપર પહોંચી ગઇ છે. વડોદરામાં અત્યાર સુધીના સૌથી વધુ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આમ કુલ 1456 દર્દી રિકવર થયા છે. વડોદરામાં હાલ 536 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 121 દર્દી ઓક્સિજન ઉપર અને 32 દર્દી વેન્ટીલેટર ઉપર છે.