29, જુન 2020
લગભગ 80 દિવસ પછી તિરૂપતિ બાલાજી મંદિર ખુલતાં જ ભક્તોએ ધનવર્ષા કરી દીધી. મંદિરના કર્મચારીઓએ જ પહેલાં ત્રણ દિવસમાં 65 લાખ રૂપિયાથી વધારે દાન આપ્યું. ત્યાં જ, 11 જૂને સામાન્ય લોકો માટે પહેલીવાર મંદિર ખુલ્યું. લગભગ સાત હજાર લોકોએ 43 લાખ રૂપિયાનું દાન બાલાજીને ચઢાવ્યું. મંદિર ખુલતાં જ શરૂઆતના 4 દિવસમાં જ દાનનો આંકડો લગભગ સવા કરોડને પાર પહોંચી ગયો છે.
20 માર્ચથી બંધ તિરૂપતિ મંદિરને 8 જૂને ખોલવામાં આવ્યું હતું. 8, 9 અને 10 જૂને બહારના શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ બંધ હતો. માત્ર મંદિરના કર્મચારીઓ અને તેમના પરિવારને જ દર્શનની મંજૂરી હતી. મંદિર માટે આ દર્શન શરૂ કરવા રિહર્સલ જેવું હતું, પરંતુ આ ત્રણ દિવસમાં જ મંદિરમાં લગભગ 65 લાખ રૂપિયાથી વધારે દાન આવ્યું.
8 જૂને જ 25 લાખથી વધારે દાન મંદિરને મળ્યું. આવું જ બીજા દિવસે પણ રહ્યું અને 10 જૂને પણ મંદિરના કર્મચારીઓએ જ 20 લાખથી વધારે દાન કર્યું. મંદિરના PRO ટી. રવિના કહેવા પ્રમાણે આ દાન તો અમારા કર્મચારીઓએ જ કર્યું છે. આ બાલાજી પ્રત્યે તેમની આસ્થા છે. ટ્રસ્ટ તેમની ગણતરી રૂપિયામાં કરી રહ્યું નથી. 11 જૂને આવેલાં હુંડી કલેક્શનમાં 42 લાખ 88 હજાર રૂપિયા આવ્યાં છે.
ટ્રસ્ટમાં 21 હજાર કર્મચારીઓઃ-
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ ટ્રસ્ટમાં લગભગ 21 હજાર કર્મચારી છે. તેમાંથી 8 હજાર 500 કર્મચારી સ્થાયી છે. લગભગ 13 હજાર કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર અને આઉટસોર્સના છે. મંદિરમાં સફાઈ અને સુરક્ષાને ધ્યાનમાં રાખતાં આટલો મોટો સ્ટાફ રાખવામાં આવ્યો છે. અહીં સફાઈ માટે જ 1500થી વધારે કર્મચારી છે. તેનાથી વધારે સુરક્ષા વ્યવસ્થામાં છે.
500 કરોડના દાનનું નુકસાનઃ-
લોકડાઉનના 80 દિવસમાં મંદિરને લગભગ 500 કરોડનું નુકસાન ભોગવવું પડ્યું. સામાન્ય દિવસોમાં મંદિરને દર મહિને લગભગ 220 કરોજ રૂપિયાની આવક થાય છે. તેમાંથી મોટો ભાગ લગભગ 170 કરોજ રૂપિયા સુધી હુંડી કલેક્શનથી આવે છે. 2019માં મંદિરે લગભગ 1100 કરોડ રૂપિયાનું હુંડી કલેક્શન કર્યું હતું, પરંતુ આ વખતે નાણાકીય વર્ષ શરૂ થતાં પહેલાં જ લોકડાઉનના કારણે મંદિર બંધ કરવું પડ્યું.
કેશદાનમાં વાળંદ PPE કીટ પહેરીને બેસે છેઃ-
કોરોનાના ભયને જોતાં કેશદાન મંડપમાં વાળ કાપવા માટે બેઠેલાં વાળંદોને PPE પહેરીને બેસવાનું કહેવામાં આવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 10 થી 12 ફૂટના અંતરે લોકોને બેસાડવામાં આવી રહ્યાં છે. અહીં પણ નંબરના આધારે લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
ગોવિંદરાજા મંદિર ફરી બંધ, અહીં કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યોઃ-
તિરૂપતિ ટ્રસ્ટનું ગોવિંદરાજા મંદિર પણ 8 જૂને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવામાં આવ્યું હતું. પરંતુ 11 જૂને અહીં એક કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યો. ત્યાર બાદ મંદિર 3 દિવસ માટે ફરી બંધ કરી દેવામાં આવ્યું. સેનેટાઇઝેશન બાદ હવે 14 જૂને તેને ખોલવામાં આવશે. આ મંદિર તિરૂપતિ બાલાજી મંદિરથી 20 કિલોમીટર દૂર છે.
તિરૂપતિ ટ્રસ્ટનુ ગોવિંદરાજા સ્વામી મંદિર 14 જૂને ખોલવામાં આવશે. આ મંદિર મુખ્ય તિરૂપતિ મંદિરથી લગભગ 20 કિમી દૂર છે
લોકલ સિવાય બહારના રાજ્યોથી પણ લોકો આવ્યાં-
તિરૂપતિમાં ગુરુવારે 6 હજાર 998 ભક્તોએ ભગવાન બાલાજીના દર્શન કર્યાં. તેમાંથી 141 તેલંગાણા અને 151 કર્ણાટકથી હતાં. મહારાષ્ટ્ર, નવી દિલ્હી, અરૂણાચલ પ્રદેશ, પોંડિચેરી અને પશ્ચિમ બંગાળથી પણ શ્રદ્ધાળુઓ આવ્યાં. ફ્રી ટિકિટ માટે મંદિર બહાર વિશાળ સંખ્યામાં લોકો એકઠા થયાં. મંદિરમાં સુરક્ષાની દૃષ્ટિએ દરરોજ 200 શ્રદ્ધાળુઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. આ ટેસ્ટ માટે રેન્ડમ રીતે લોકો પસંદ કરવામાં આવી રહ્યા છે.