વરસાદનો વિરામ અને પાણી ઓસરતાં ભરૂચના વેપારીઓએ દુકાનો સાફ કરી
03, સપ્ટેમ્બર 2020

ભરૂચ : નર્મદા નદીના જળસ્તરમાં ઘટાડો થતાંની સાથે નીચાણવાળા વિસ્તારોમાંથી પુરના પાણી ઓસરી રહયાં છે. પુરના પાણી ઓસરતાની સાથે વેપારીઓએ દુકાનોની સફાઇ તો નગરપાલિકાએ રોગચાળાને ફેલાતો રોકવા દવાના છંટકાવ સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વિપુલ માત્રામાં પાણીની આવક થઇ છે. ડેમમાંથી ૧૦ લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં છોડતા નદીમાં પુર આવ્યું છે. અંકલેશ્વર,ઝઘડિયા અને ભરૂચના નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પુરના પાણી પ્રવેશી ગયાં છે. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ફુરજા, દાંડીયાબજાર અને ધોળીકુઇ બજાર સહિતના વિસ્તારોમાં આવેલી દુકાનો અને મકાનોમાં પુરના પાણી ઘુસી ગયાં હતાં. ચાર દિવસ બાદ નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલાં પાણીની માત્રામાં ઘટાડો કરવામાં આવતાં નર્મદા નદીની સપાટી ૩૫ ફુટથી ઘટીને ૨૯ ફુટ સુધી આવી ગઇ છે. નર્મદા નદીની સપાટી ઘટી જતાં નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ઓસરવા લાગ્યાં છે. પાણી ઓસરતાની સાથે વેપારીઓ તથા મકાન માલિકોએ સાફ સફાઇની કામગીરી શરૂ કરી છે. બીજી તરફ પુરના પાણી ઓસરતા ગંદકીના કારણે રોગચાળો ન ફાટી નીકળે તે માટે નગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી દીધી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution