આશિક મિજાજ પીઆઈ- સ્વરૂપવાન મહિલા કોન્સ્ટેબલ પર ઓળઘોળ પ્રકરણમાં ત્રણ પીઆઈનો ઉધડો લેવાયો
20, ડિસેમ્બર 2022 891   |  

અજય વાટેકર / વડોદરા, તા.૧૫

‘લોકસત્તા-જનસત્તા’ના બે દિવસ પુર્વે પ્રસિધ્ધ થયેલા શહેરના પુર્વ વિસ્તારના એક પોલીસ મથકના પીઆઈ તેમના જ પોલીસ મથકની એક સ્વરૂપવાન મહિલા કોન્સ્ટેબલ પર ઓળધોળવાળા અહેવાલમાં પીઆઈ અને મહિલો પો.કો. અને પોલીસ મથકની કોઈ સ્પષ્ટ ઓળખ કરાઈ નહોંતી અને માત્ર એક પોલીસ મથકના અનુસંધાનમાં આ અહેવાલ પ્રસિધ્ધ થયો હતો પરંતું આ અહેવાલથી એક તીરમાં ત્રણ નિશાન જેવો ઘાટ ઘટાયો છે. શહેરમાં જ ત્રણ પોલીસ મથકના પીઆઈ આ રીતે ઓળધોળ હોવાની પોલીસ બેડામાં ચર્ચા શરૂ થતાં ગઈ કાલે ત્રણ પીઆઈને સંબંધિત એસીપી દ્વારા ‘લોકસત્તાનો આ અહેવાલ તમારો તો નથી ને ?’ તેવી પુછપરછ કરી પોલીસ મથકમાં ચોક્કસ મહિલા કોન્સ્ટેબલની કેમ તરફેણ કરવામાં આવે છે તેનો પણ ખુલાસો પુછવામાં આવ્યો હોવાની વાત દિવસભર ચર્ચાની એરણે રહ્યો હતો.

શહેરના પુર્વ વિસ્તારના એક પોલીસ મથકના આશિક મિજાજ પીઆઈ એક સ્વરૂપવાન મહિલા કોન્સ્ટેબલ પર ઓળધોળ હોઈ મહિલા કોન્સ્ટેબલને મહત્વની કામગીરીથી બાકાત રાખી અન્ય મહિલા કોન્સ્ટેબલોને અન્યાય કરાતો હોવાની અને આ અંગે એક મહિલા કોન્સ્ટેબલે તો એસીપી સુધી આ બનાવની ફરિયાદ કરી હોવાનો બે દિવસ અગાઉ લોકસત્તા-જનસત્તામાં અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. આ અહેવાલથી પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો હતો અને આશિકમિજાજ પીઆઈ કોણ છે તેની પોલીસ ખાતાના જ અનેક કર્મચારીઓ દ્વારા પૃચ્છા પણ કરવામાં આવી હતી.

જાેકે આ અહેવાલ એક જ પીઆઈ અને મહિલા કોન્સ્ટેબલના કથિત ઈલુ ઈલુ પ્રકરણના અનુસંધાનમાં હતો પરંતું શહેરના અન્ય બે પોલીસ મથકોના આશિક મિજાજ પીઆઈ પણ આ રીતે તેઓના પોલીસ મથકની મહિલા કોન્સ્ટેબલો પર ઓળધોળ હોઈ આ અહેવાલ તેઓને ધ્યાનમાં રાખીને પ્રસિધ્ધ થયાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી હતી જે પોલીસ ઉચ્ચાધિકારી સુધી પહોંચી હતી. આ અંગે મળતી વિગતો મુજબ આ અહેવાલનાં એક તીરમાં ત્રણ પીઆઈ નિશાને આવી જતા તેઓની અધિકારીઓ દ્વારા આ અહેવાલો તમારો તો નથી ને ? તેવી કડકાઈથી પુછપરછ પણ કરાઈ હતી જેમાં શંકાના દાયરમાં આવેલા પીઆઈએ પણ વો મે નહી ? તેમ કહી સિફતતાપુર્વક છુટકારો મેળવી લીધો હતો.

માનીતી મહિલા પો.કો.ને સીસીટીવી કેમેરા સામે કામગીરીમાં બેસાડી દીધી

આ અહેવાલ જે પીઆઈ-મહિલા કોન્સ્ટેબલને અનુસંધાનમાં પ્રસિધ્ધ થયેલો તે પોલીસ મથકના કર્મચારીઓએ ખુશ થઈ મોડી રાત્રે જ સોશ્યલ મિડિયા પર આ અહેવાલના કટીંગ વાયરલ કરી દીધા હતા. જાેકે પોતાના કથિત ઈલુ –ઈલુનો ભાંડો ફુટશે તો કડક પગલા લેવાશે તેવી ભીંતીથી અન્ય એક પોલીસ મથકના પીઆઈએ તો તેમની માનીતી મહિલા કોન્સ્ટેબલને તુરંત પોલીસ મથકમાં સીસીટીવીની કેમેરાની સામે બેસી રહેવું પડે તેવી કામગીરીમાં બેસાડી દઈ આક્ષેપથી બચવાના પ્રયાસ કર્યા છે. નવાઈની વાત તો એ છે કે આ અહેવાલ સુરત અને અમદાવાદની આવૃત્તીમાં પણ પ્રસિધ્ધ થયો હતો અને ચોક્કસ પોલીસ મથકનો ઉલ્લેખ ન હોઈ સુરત-અમદાવાદની લોકસત્તા-જનસત્તાની કચેરીમાં આશિક મિજાજ પીઆઈ કોણ છે ? તેવી પોલીસ જવાનો અને કેટલાક પીઆઈ દ્વારા પુછપરછ કરાઈ હતી. સુરત અને અમદાવાદમાં પણ કેટલાક પોલીસ અધિકારીઓ આવા આક્ષેપમાં ઘેરાયેલા હોઈ તેઓતો આ અહેવાલ પોતાનો જ છે તેમ માની બંધબેસડી પાઘડી પહેરી સર્તક થઈ ગયા હતા અને તેઓની કથિત માનીતી મહિલા કોન્સ્ટેબલોને તુરંત અન્ય કામગીરીમાં બેસાડી દીધી હતી.

પીઆઈની મહેરબાનીથી કોન્સ્ટેબલને હવે બ્રાન્ડેડ સિવાયની ચીજાે ગમતી નથી

શહેરના અન્ય એક પોલીસ મથકના આશિકમિજાજ પીઆઈ જે મહિલા કોન્સ્ટેબલ પર ઓળધોળ હોવાનું કહેવાય છે તે મહિલા કોન્સ્ટેબલ તો પીઆઈ આવે એટલે તેમની ચેમ્બરમાં જતી રહેતી હોઈ તે જયાં સુધી પીઆઈની ચેમ્બરમાં હોય ત્યાં સુધી કોઈને પણ પુછ્યા વિના અંદર નહી મોકલવાની સુચના અપાયેલી હતી. એટલું જ નહી આ મહિલા કોન્સ્ટેબલની માગણીઓ પીઆઈ પુરી કરતા હોઈ તેને મોંઘીદાટ બ્રાન્ડેડ કંપની સિવાયની ચીજાે ગમતી નથી. હાલમાં પણ તે નજીવા પગારમાં મોંઘાદાટ બ્રાન્ડેડ કંપનીના ફોન, પગરખા,સ્પ્રે અને કપડાનો ઉપયોગ કરે છે તેની અન્ય મહિલા પોલીસ જવાનોમાં પણ કાયમ ચર્ચાઓ ચાલે છે.

પીઆઈનું શહેરમાં ઘર હોવા છતાં હોટલમાં ૧૦૪ નંબરની રૂમ કાયમ માટે બૂક

શહેરના ગીચ વિસ્તારમાં આવેલા એક પોલીસ મથકના પીઆઈ ભારે સરળ સ્વભાવના મનાય છે પરંતું તેમના પણ એક મહિલા કોન્સ્ટેબલ સાથે સુંવાળા સંબંધો પોલીસ બેડામાં ચર્ચામાં છે. આ પીઆઈનું તો પોલીસ મથકથી સાવ નજીવા અંતરે મકાન છે તેમ છતાં એક હોટલમાં તેમના નામે ૧૦૪ નંબરનો રૂમ કાયમ માટે બુક હોવાનું કહેવાય છે. એટલું જ નહી તેમની અને તેમની માનીતી કોન્સ્ટેબલની પણ નાઈટ કાયમ સાથે આવતી હોઈ તેઓ આ બુક કરેલી રૂમમાં કેટલીક વાર સાથે ગયા હોવાની પણ પોલીસ બેડામાં ચર્ચા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution