વિધાનસભા પેટા ચુંટણી: 6 હજારથી વઘુ દિવ્યાંગ, કોરોના દર્દી અને સિનિયર સિટિઝનો બેલેટ પેપરથી કરશે મતદાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, ઓક્ટોબર 2020  |   2673

ગાંધીનગર-

રાજ્યની ખાલી પડેલી 8 વિધાનસભા બેઠક પર 3 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે આ 8 બેઠક પર કોરોના વાઇરસ સંક્રમિત દર્દીઓ, 75 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને દિવ્યાંગ મતદારો માટે ચૂંટણી પંચ દ્વારા બેલેટ પેપરથી મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આ વ્યવસ્થામાં 6000 જેટલા મતદારોએ નોંધણી પણ કરાવી છે.જેનો આંકડો વધી શકે છે.

આ બાબતે રાજ્ય ચૂંટણીપંચના ચૂંટણી કમિશનર મુરલી ક્રિષ્નાને જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની પરિસ્થિતિમાં કોરોના દર્દીઓ, 75 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટિઝન અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે મતદાનની અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ મતદારો બેલેટ પેપરથી મતદાન કરી શકશે. આ બાબતે તમામ રાજકીય પક્ષોને પણ માહિતગાર કરવામાં આવ્યા છે, જ્યારે મતદાન દરમિયાન આ તમામ લોકો પોલીસ અને વીડિયો ગ્રાફીની હાજરીમાં મતદાન કરી શકશે. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ચૂંટણી પંચના અધિકારીઓને જરૂર પડ્યે પી.પી.ઈ કીટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત હેન્ડ સેનિટાઈઝર અને માસ્કની વગેરેની સુવિધાઓ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવશે. 

ચૂંટણી દરમિયાન એક મતદાન પર 1500 જેટલા મતદારો મતદાન કરતા હોય છે, પરંતુ કોરોનાને ધ્યાનમાં લઇને આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા વધુ બૂથ રાખવામાં આવ્યા છે. આમ 8 વિધાનસભાની પેટા ચૂંટણીમાં 65 જેટલા બુથનો વધારો કરવામાં આવ્યો છે. જેથી કુલ બૂથની સંખ્યા 8326 થઇ છે. નવા મતદાન મથકો ઉમેરાતાં હવે એક મતદાન મથક પર 500થી 1000 જેટલા મતદારો મતદાન કરશે.

© 2025. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution