06, જુલાઈ 2025
2178 |
નડિયાદ, ઠાસરા ગળતેશ્વર તાલુકા પ્રાથમિક ટીચર્સ મંડળીમાં ૨.૧૨ કરોડ રૂપિયાની ગેરરીતિ મામલે પોલીસ દ્વારા પ્રમુખ, મંત્રી અને ક્લાર્ક વિરુદ્ધ ગુનો નોંધતા તાલુકાભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાેકે વર્ષોથી ચર્ચાસ્પદ બનેલા આ મામલામાં ત્રણ ઉપરાંતના વ્યવસ્થાપક કમિટીના સભ્યોને કેમ છાવરવામાં આવી રહ્યા છે તેવા પ્રશ્નો માથું ઊંચકી રહ્યા છે. જેમાં સરકારી ઓડિટ, ચોક્સી રિપોર્ટની અવગણના તેમજ વાર્ષિક અહેવાલોને મંજૂરી સહિતના અનેક મુદ્દાઓ સાથે જિલ્લા રજીસ્ટરની ભૂમિકા પણ શંકાઓ ઉપજાવી રહી હોવાની ચર્ચાઓ ઉઠી છે.આ અંગે ચોકસી અધિકારી મિશ્રાએ પોતાના તારણોમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સમગ્ર કમિટીએ લોન દસ્તાવેજ વિના લોનો આપેલ છે, ત્યારે આ મામલે માત્ર પ્રમુખ, મંત્રી અને ક્લાર્ક જ જવાબદાર કેવી રીતે હોઈ શકે? કારણકે કારોબારી દ્વારા જ તમામ લોન મંજુર કરવામાં આવતી હોય છે ત્યારે આ બધી કરોડો રૂપિયાની લોનો કમિટીની જાણ બહાર થઇ હોય એવુ માનવાને કોઈ કારણ નથી.જે અનુસંધાને ચોક્સી રીપોર્ટ દ્વારા તમામ કમિટીને જવાબદાર ઠેરવવામાં આવી હતી. જાેકે કલમ ૯૩ની તપાસમાં ચોક્સી રિપોર્ટ નો ઉલ્લેખ કર્યો હોવાછતાં તપાસ અધિકારી દ્વારા પ્રમુખ મંત્રીને જવાબદાર ઠેરવીને અન્ય કમિટી સભ્યોને આશ્ચર્યજનક રીતે બાકાત કરી દીધા હતા.જેને પગલે જિલ્લા રજીસ્ટર અને કલમ ૯૩ની તપાસ કરનાર તપાસ અધિકારીની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે હવે સમગ્ર મામલે ઠાસરા પોલીસ નવેસરથી તપાસ કરે છે કે પછી અગાઉની જેમ ગોઠવણ મુજબ તપાસ પુરી કરે છે તે જાેવું રહ્યું.
વર્ષોથી ઓડિટ કરતા ઓડિટરો અને જિલ્લા રજીસ્ટર સામે કાર્યવાહી કેમ નહીં?
ઠાસરા ટીચર્સ મંડળીનું ઓડિટ નિયમિત રીતે કરવામાં આવતું હતું. ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે આ ગેરરીતિ જાહેર કરવામાં કેમ ના આવી? ઓડિટરો દ્વારા પોતાની ફરજ ઈમાનદારીથી બજાવી હોત તો આટલા બધા વર્ષો સુધી લોન કૌભાંડ ચાલી શકતું નહિ. એટલે મંડળી પાસેથી ફી વસૂલીને ઓડિટ કરનારા તેમજ અવારનવાર ફરિયાદો ઉઠવા છતાં સમગ્ર મામલે ભીનું સંકેલવાના પ્રયાસો કરાયા હોવાથી જિલ્લા રજીસ્ટર સામે પણ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.
કરોડોની લોન દસ્તાવેજ વિના અપાઈ, છતાં કમિટી સભ્યો ચૂપ કેમ રહ્યા હતા?
ઠાસરા ટીચર્સ મંડળીના વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા કરોડોની લોન કોઈપણ દસ્તાવેજ વિના કેવી રીતે મંજુર કરવામાં આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે. કારણકે સભાસદ લોન કારોબારી બેઠકને અંતે મંજુર કરવામાં આવતી હોય છે ત્યારે કમિટીના સભ્યોને જવાબદારીમાંથી મુક્ત કેવી રીતે કરી દેવાયા તેવા પ્રશ્નો સ્વાભાવિક છે.
ધરપકડથી બચવા પ્રમુખ-મંત્રી ભૂગર્ભમાં, વ્યવસ્થાપક કમિટી આકાઓના શરણે!
ઠાસરા ટીચર્સ મંડળીના પ્રમુખ,મંત્રી ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જયારે તપાસ અધિકારી સાથે ગોઠવણ કરીને જવાબદારીથી છટકી ગયેલા વ્યવસ્થાપક કમિટીના સભ્યો અગાઉની જેમ ફરીથી તેમના આકાઓના શરણ માટે દોડતા થઇ ગયા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. પોલીસ તપાસમાં પોતાના નામ ખુલે નહિ એટલે રાજકીય આકાઓ પાસે દોડીને દબાણના વેતરણ કરી રહ્યા હોવાની વાતો તાલુકાભરમાં થઇ રહી છે.
કૌભાંડમાં અનેક સવાલોના જવાબો હજુ પણ નથી મળી રહ્યાં
પ્રમુખ, મંત્રી સહીત તમામ વ્યવસ્થાપક કમિટીને જવાબદાર ઠેરવતા રિપોર્ટને બદલીને માત્ર ત્રણને કેમ દોષિત જાહેર કરાયા?
રાજકીય વગના જાેરે ચોકસી રિપોર્ટને અવગણીને જિલ્લા રજીસ્ટ્રારના માધ્યમથી મામલો ફેરવી કાઢ્યો કે શું?
દર વર્ષે વાર્ષિક અહેવાલ મંજૂર કરતા કમિટીના સભ્યોને જિલ્લા રજીસ્ટ્રારે નિર્દોષ કેવી રીતે ઠેરવ્યા?
સરકારી ઓડિટ કરતા અધિકારીઓ દ્વારા પણ નિયમિત ઓડિટ કરાતુ હતું ત્યારે આ ગેરરીતિ કેમ ધ્યાને ના લીધી?
દસ્તાવેજ વિના અપાયેલી લોન બાબતે કાર્યવાહી કેમ ના કરી?
માત્ર કલમ ૯૩ની તપાસના વી ડી મારૂના રિપોર્ટ અગાઉ થયેલી તપાસ ધ્યાને લેવાય તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઇ શકે છે. પોલીસ દ્વારા ઉપરોક્ત તમામ પાસાઓની તપાસ કરાય તો વ્યવસ્થિત રીતે હળીમળીને કમિટી દ્વારા મંડળીના નાણાંનો વ્યય કર્યાનું ખુલી શકે છે.