વડોદરા, તા. ૬

શહેર નજીક સિંધરોટ ગામની સીમમાંથી ૪૭૯ કરોડનું ડ્રગ્સ ઝડપી પાડવાના ચકચારભર્યા બનાવમાં એટીએસની ટીમે ઝડપી પાડેલા આરોપીઓની પુછપરછમાં રોજેરોજ નવા ચોંકાવનારા ઘટસ્ફોટ થવાનો સિલસિલો આજે પણ યથાવત રહ્યો હતો. આજે પણ એટીએસની ટીમે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી કૈાભાંડના સુત્રધારની સ્ટોક બ્રોકીંગ લી.નામની લાંબા સમયથી બંધ ઓફિસમાં દરોડો પાડી બે મોટા બેરલ ઝડપી પાડ્યા હતા. આ બંને બેરલોમાં પણ શંકાસ્પદ ડ્રગ્સ મળતા એટીએસની ટીમે એફએસએલની મદદથી આ કેમિકલના નમુના લઈ બંને બેરલ જપ્ત કર્યા હતા.

રાજ્યની એટીએસની ટીમે ગત ૨૯મી તારીખે શહેર નજીક સિંઘરોટ ગામની સીમમાં આવેલા પતરાની શેડવાળી ફેકટરીમાં દરોડો પાડી ૪૭૯ કરોડનું મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો અને તેનું રોમટીરિયલ્સ ઝડપી પાડતા ચકચાર મચી હતી. આ ડ્રગ્સ કૈાભાંડમાં પોલીસે મુખ્ય સુત્રધાર સૈામિલ પાઠક તેમજ શૈલેષ કટારિયા, વિનોદ નિજામા, મોહંમદશફી દિવાન અને ભરત ચાવડાની ધરપકડ કરી હતી જેઓ હાલમાં આઠ દિવસના રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પુછપરછમાં રોજેરોજ ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. બે દિવસ અગાઉ આરોપીઓની કબૂલાતના પગલે એટીએસની ટીમે સુભાનપુરા વિસ્તારમાં કચરાપેટી પાસે તપાસ કરી આશરે આઠ કરોડનું ફેંકી દેવાયેલું ડ્રગ્સ કબજે કર્યું હતું.

દરમિયાન આજે આ કૈાભાંડમાં વધુ એક ચોંકવાનારો ઘટસ્ફોટ થયો હતો. કૈાભાંડના આરોપી શૈલેષની વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં મનુભાઈ ટાવર પાસે પાયલ કોમ્પલેક્સના બેઝમેન્ટમાં સ્ટોક બ્રોકીંગ લી.નામની ઓફિસ જે છેલ્લા લાંબા સમયથી બિનકાર્યરત છે ત્યાં પણ ડ્રગ્સનો શંકાસ્પદ જથ્થો છુપાવ્યો હોવાની રિમાન્ડ દરમિયાન માહિતી મળતા આજે સવારે એટીએસની ટીમ આરોપીને લઈને ઉક્ત સ્થળે આવી પહોંચી હતી. સૈામિલની આ ઓફિસને સીલ મરાયેલું હોઈ પોલીસે સીલ તોડીને ઓફિસમાં તપાસ કરી હતી જેમાં ખાલીખમ ઓફિસમાં ભુરા રંગના બે વજનદાર બેરલ મળી આવ્યા હતા.

આ બંને બેરલમાં પણ ડ્રગ્સ અથવા તો ડ્રગ્સ બનાવવા માટેનું રોમટીરિયલ્સ હોવાની શંકા હોઈ પોલીસે એફએસએલની ટીમ મારફત બંને બેરલમાંથી નમુના લીધા હતા અને ત્યારબાદ ઘટનાસ્થળે પંચનામુ કરીને બંને બેરલોને લઈને એટીએસની ટીમ તુરંત રવાના થઈ હતી. એટીએસ દ્વારા પાયલ કોમ્પ્લેક્સમાં પાડેલા દરોડાની જાણ થતાં મિડિયાકર્મીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા પરંતું એટીએસની ટીમે ઓફિસમાં મળેલા બેરલો અંગે કોઈ પણ વિગતો આપવાનું ટાળ્યું હતું.

બેરલના ઢાંકણા ખોલતા જ એટીએસની ટીમની આંખોમાં બળતરા શરૂ

એટીએસની ટીમે આરોપીને સાથે રાખી ઓફિસમાં મુકાયેલા બંને બેરલો ખોલી તપાસ કરી હતી. શટરવાળી ઓફિસમાં મુકાયેલા બેરલો ખોલતા જ નાનકડી ઓફિસમાં એકદમ તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી અને ટીયરગેસના સેલ છોડ્યા બાદ જે રીતે આંખોમાં સખત બળતરા થાય તે પ્રમાણે બેરલની આસપાસ ઉભેલા એટીએસના જવાનો અને આરોપીની આંખોમાં અચાનક બળતરા થવાની શરૂઆત થઈ હતી. બેરલ પાસે વધુ સમય ઉભા રહી શકાય તેમ ન હોઈ એટીએસની ટીમે તુરંત ઓફિસમાંથી બહાર આવીને પાણીની બોટલો મંગાવી સતત મોંઢુ અને આંખો ધોવાનું ચાલુ રાખી જરૂરી કામગીરી પુરી કરી હતી.

શહેરમાં પાર્ટીડ્રગ્સના મોટા જથ્થાનું વેચાણ થયાની આશંકા

એટીએસની ટીમના દરોડામાં શહેર નજીક સિંધરોટમાં જ મેફેડ્રોન ડ્રગ્સ જે પાર્ટીડ્રગ્સ તરીકે ઓળખાય છે અને માલેતુજારોની પાર્ટીઓમાં પણ તેનો ઉપયોગ થતો હોવનું મનાય છે તેનો જથ્થો મળ્યા બાદ શહેરના સુભાનપુરામાં અને આજે સયાજીગંજમાં ડ્રગ્સ અને ડ્રગ્સ બનાવવા માટેનું સંભવિત રોમટીરિયલ્સ મળતા વડોદરા શહેર ડ્રગ્સ સપ્લાયનું એપી સેન્ટર હોવાનું સાબિત થઈ રહ્યું છે.

મેફેડ્રોનનું શહેરના છેવાડે જ ઉત્પાદન અને શહેરમાંથી જ જંગી જથ્થો મળ્યા બાદ શહેરમાં મેફેડ્રોન ડ્રગ્સનું સરળતાથી વેંચાણ થતું હોવાની પણ હવે શંકા સેવાઈ રહી છે. એટલું જ નહી શહેરની આસપાસ અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ફાર્મહાઉસ આવેલા હોઈ અને ત્યાં સમયાંતરે ગુપ્ત પાર્ટીઓ થતી હોઈ ત્યાં સંભવિત રેવ પાર્ટીઓમાં પણ મેફેડ્રોન ડ્રગ્સનો જંગી જથ્થો પણ વેચાણ થયાની શંકાઓ સેવાઈ રહી છે.