રાજપીપલા, તા.૧

નર્મદા જિલ્લામાં ૫.૦૦ વાગ્યા સુધીમાં નાંદોદ બેઠક પર ૭૨.૬૦ ટકા અને દેડિયાપાડા બેઠક પર ૭૧.૨૦ ટકા મતદાન નોંધાયું હતું, બંને બેઠકો માટે ૭૧.૯૨ ટકા મતદાન નોંધાયું છે.વર્ષ ૨૦૧૭ વિધાનસભામાં ૭૯.૧૫ ટકા મતદાન થયું હતું વર્ષ ૨૦૨૨ માં ૭૧.૯૨ ટકા મતદાન થતાં ૭.૧૧ ટકા મતદાન ઓછું નોંધાયું છે.આમ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર આ વખતે વધુ મતદાન કરાવવામાં નિષ્ફળ નિવડયું છે એમ કહી શકાય. નાંદોદ બેઠક પર કુલ ૨૩૫૧૭૯ મતદારો માંથી ૧૭૦૭૨૯ લોકોએ મતદાન કર્યું હતું, જ્યારે દેડિયાપાડા બેઠક પર કુલ ૨૨૨૭૦૧ મતદારો માંથી ૧૫૮૫૬૭ લોકોએ મતદાન કર્યું હતું. આ વખતે ૧૪૮ નાંદોદ બેઠક પર સુંદરપુરા ગામ માંથી જ બે ઉમેદવારો સામ સામે હતા, સુંદરપુરામાં કોંગ્રેસના હરેશ વસાવા અને અપક્ષ ઉમેદવાર હર્ષદ વસાવાએ એક સાથે મતદાન કર્યું હતું.તો ભાજપના ઉમેદવાર ડો.દર્શનાબેન દેશમુખે અંબુભાઈ પુરાણી હાઇસ્કુલ ખાતે જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવા અને રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીસિંહ ગોહિલે એમ.આર.વિદ્યાલય ખાતે મતદાન કર્યું હતું.આ વખતની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નહોતો.

ડેડિયાપાડા તાલુકાના સામોટ ગામના લોકોએ જંગલની જમીન મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો

ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીઓનું મતદાન એક તરફ જાેર શોરથી ચાલી રહ્યું છે.નર્મદા જિલ્લાના ૧૪૯ ડેડીયાપાડા વિધાનસભા માટે બપોર સુધી ૭૬ ટકા મતદાન થયું હતું તો બીજી બાજુ ડેડીયાપાડાના સામોટ ગ્રામજનોએ જંગલની જમીન પોતાના નામે કરવા મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.આશ્ચર્યની વાત તો એ છે કે વધુ મતદાન કરવા ચૂંટણી પેહલા મતદાન જાગૃતિનું અભિયાન ચલાવતા નર્મદા જિલ્લા વહીવટીતંત્રના એક પણ અધિકારી ગ્રામજનોને સમજાવવા દેખાયા ન્હોતા, તો બીજી બાજુ કોઈ એક રાજકીય પક્ષે પણ એમા કોઈ રસ દાખવ્યો ન્હોતો. નર્મદા જિલ્લાની ૧૪૯ ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રમાં આવતા સામોટ ગ્રામજનોએ જંગલની જમીન પોતાના નામે કરવા મુદ્દે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.આખા દિવસ દરમિયાન એક પણ મતદાર મતદાન કરવા બૂથમાં ગયા ન્હોતા.સામોટ ગામની પ્રાથમિક શાળામાં મતદાન માટે ૨ બુથ બનાવવામાં આવ્યા હતા, ત્યારે તમામ અધિકારીઓ મતદારોની રાહ જાેઈ બેસી રહ્યા હતા.પ્રીસાઈડીંગ ઓફિસર પ્રવિણ ભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે પણ કારણ શું છે એની એમને ખબર નથી, ૫૫૦૦ ની વસ્તી ધરાવતા એ ગામમાં લગભગ ૧૬૦૦ મતદારો છે.