વડોદરા, તા.૧૨

વડોદરા સહિત મધ્ય ગુજરાતની નેતાગીરી ફરી એકવાર વાંઝણી પુરવાર થઈ હોય તેમ મધ્ય ગુજરાતના સાત જિલ્લાની ૩૪ બેઠકો પૈકી ૩૧ બેઠકો પર ભાજપની જીત થવા છતાં આજે નવી સરકારના મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતમાંથી એક કેબિનેટ કક્ષાના મંત્રી અને એક રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે. તો ભાજપનો ગઢ મનાતા વડોદરા શહેરમાંથી આ વખતે એકપણ મંત્રીપદ આપવામાં આવ્યું નથી. જાે કે, રાવપુરા બેઠકના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લને મુખ્ય દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આમ, ફરી એકવાર વડોદરાને એકપણ મંત્રીપદ નહીં આપીને અન્યાય કરાયાની ચર્ચા વચ્ચે મંત્રીમંડળના વિસ્તરણમાં સ્થાન મળશે તેવી ચર્ચા ભાજપામોરચે થઈ રહી છે.

પાછલી છ ચૂંટણીથી વડોદરા શહેરની તમામ અગાઉ ત્રણ અને છેલ્લી ત્રણ ચૂંટણીથી પાંચ બેઠકો પર ભાજપનો સતત વિજય થતો આવ્યો છે. આમ ભાજપનો ગઢ મનાતા વડોદરાની પાંચ બેઠકો આ વખતે ભાજપે ૭૭ હજારથી ૧ લાખ કરતાં વધુ મતોની લીડ સાથે જીતી હતી. તો બીજી તરફ ગત સરકારમાં વડોદરાને વરસો બાદ કેબિનેટ મંત્રીપદ આપવામાં આવ્યું હતું. જ્યારે રાજ્યકક્ષાના એક મંત્રી પણ વડોદરાના હતા. ત્યારે આ વખતે પણ વડોદરા શહેર-જિલ્લાને રાજ્ય સરકારમાં સારું પ્રતિનિધિત્વ મળે તેવી ચર્ચા વચ્ચે પ્રદેશ ભાજપ નેતાઓએ વડોદરાને ટેકન ફોર ગ્રાન્ટેડ માની લીધું હોય કે પછી વડોદરાની નેતાગીરી વાંઝણી પુરવાર થતી હોય તેમ આ વખતે નવી સરકારમાં મંત્રીમંડળમાં વડોદરા શહેર કે જિલ્લામાંથી એકેયને સ્થાન આપવામાં આવ્યું નથી.

જાે કે, વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય પૂર્વ મેયર અને પૂર્વ સાંસદ બાળકૃષ્ણ શુક્લને વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ મંત્રીમંડળમાં એકેયને સ્થાન નહીં આપીને વડોદરાને ફરી એકવાર અન્યાય કરાયાની ચર્ચા ભાજપામોરચે થઈ રહી છે. જાે કે, બીજી તરફ ઉત્તરાયણ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો તેમાં વડોદરાના ધારાસભ્યો પૈકી સમાવેશ થશે તેમ માનીને કેટલાક સંતોષ માની રહ્યા છે.

બીજી તરફ મધ્ય ગુજરાતના સાત જિલ્લાની ૩૪ બેઠકો પૈકી ૩૧ બેઠકો ભાજપે જીતી છે. ગુજરાતના અન્ય વિભાગોમાંથી મંત્રીમંડળમાં ૩ થી ૬ ને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે મધ્ય ગુજરાતમાં કેબિનેટ મંત્રી તરીકે સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર અને દેવગઢબારિયાના ધારાસભ્ય બચુભાઈ ખાબડને રાજ્યકક્ષાના મંત્રી તરીકે નવી સરકારમાં સ્થાન મળ્યું છે. આમ મધ્ય ગુજરાતમાંથી માત્ર બે જ ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે.

મુખ્ય દંડક તરીકે નિમાયેલા બાળકૃષ્ણ શુક્લનું ભવ્ય સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નવી સરકારના મંત્રીમંડળના ગઠન સાથે તમામ મંત્રીઓને વિવિધ ખાતાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તરીકે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલની નિમણૂક કરાઈ છે. મુખ્ય દંડક પદે નિમણૂક બાદ મોડી સાંજે વડોદરા આવેલા બાળકૃષ્ણ શુકલનું વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઢોલ-નગારાં અને આતશબાજી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે દંડક તરીકેની જવાબદારી પૂર્વ ધારાસભ્ય જિતેન્દ્ર સુખડિયા પણ નિભાવી ચૂકયા છે.