ડીસા-

બનાસકાંઠાના ડીસા તાલુકાના ગામે 60 વર્ષિય મહિલા ઉપર દુષ્કર્મ થયાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાતાં ચકચાર મચી ગઇ છે. ખેતરમાં રહેતી મહિલાને એક શખ્સે પહેલાં ગળું દબાવી દુષ્કર્મની કોશિષ કરી હતી. જે બાદમાં આજુબાજુના લોકો આવી જતાં તે આરોપી ફરાર થઇ ગયા બાદ ફરી એકવાર મોડી રાત્રે ખેતરમાં આવી ફરીયાદી મહિલા ઉપર છરીની અણીએ દુષ્કર્મ આચર્યુ હતુ. આ દરમ્યાન ફરીયાદીના પતિ જાગી જતાં આરોપી તેમને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના એક ગામે મહિલા પોતાના પરીવાર સાથે રહે છે. મહિલાના ખેતરમાં ગાય વીવાયેલ હોઇ તેના નાના બચ્ચાંને કોઇ કુતરાં મારી ના નાંખે તે માટે મહિલા અને તેમના પતિ ખેતરમાં હતા. આ વખતે આરોપી ઇસમે પ્રથમવાર આવી મહિલાનું ગળું દબાવી દુષ્કર્મની કોશિષ કરી હતી. જે બાદમાં મહિલા યેન-કેન પ્રકારે છુટી જઇ આસપાસના લોકોને વાત કરતાં તેમને બંને દીકરાઓને ફોન કરી બોલાવ્યાં હતા. જોકે બાદમાં રાત્રે મોડુ થયુ હોવાથી વહેલી સવારે ફરીયાદ કરવાનું નક્કી કર્યુ હતુ. 

આ દરમ્યાન ફરીયાદી મહિલા તેમના પતિ સાથે ખેતરમાં સુવા માટે જતાં ફરી એકવાર આરોપી ઇસમ ત્યાં આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે છરીની અણીએ જાનથી મારી નાંખવાની ધમકી આપતી મહિલાની મરજી વિરૂધ્ધ શરીર સુખ માણ્યું હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કર્યો છે. આ દરમ્યાન મહિલાના પતિ આવી જતાં આરોપી ઇસમ તેમને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ મહિલાએ આરોપી સામે ડીસા રૂરલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. આ તરફ પોલીસે આરોપી વિરૂધ્ધ આઇપીસીની કલમ 376(1), 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.