છોટાઉદેપુર, બોડેલી, તા.૧૦

મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ૧૭ ઈંચ, પાવી જેતપુર અને કવાંટમાં ૧૧-૧૧ ઈંચ, છોટાઉદેપુરમાં ૧૦ ઇંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં ૮ ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને કારણે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જતાં આવતી અને જતી પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં ૬ તાલુકાઓમાં રવિવારના રોજ સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં સર્વત્ર મેઘ તાંડવ જાેવા મળી રહ્યું છે. જિલ્લામાં છોટાઉદેપુરના બોડેલી ખાતે વડોદરા નેશનલ હાઇવે ૫૬ ઉપર બોડેલી ખાતે રોડ ઉપર પાણી ફરી વળ્યાં હતા. બોડેલીની રામનગર સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા. છોટાઉદેપુર નગરમાં નિઝામી સોસાયટી શ્રીજી સોસાયટી, મંગળ બજાર જેવા વિસ્તારોમાં પણ ઘૂંટણ સમા પાણી ફરી વળ્યાં હતા. સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા વિસ્તારમાં આવેલ અશ્વિની નદીમાં ભારે ઘોડાપુર આવ્યા હતા. નસવાડી નગરમાં આવેલ જલારામ મંદિર તથા દુકાનો પાણીમાં ડૂબી હતી. અને લાખોનું નુકસાન થયું હતું. જ્યારે નસવાડીના ભાખા રોડ ઉપર પણ પાણી ફરી વળતા બંધ થઈ ગયો હતો. નસવાડીના પલાસણી ખાતે પલાસણી ગામથી કાળી ડોળી ગામને જાેડતો અશ્વિની નદી ઉપર બનાવવામાં આવેલ બ્રિજની સાઈડનો એપ્રોચ નદીમાં ઘોડાપુર આવતા તૂટી ગયો હતો. સાઈડનું ધોવાણ થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં અતિ વૃષ્ટિના કારણે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ૧૨, કવાંટ તાલુકાના ૨ અને બોડેલી તાલુકાનો એક રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. જિલ્લાના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જ્યારે ઘણા ગામો સંપર્ક વિહોણા પણ થયા હોય તેમ જાણવા મળ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં રવિવારના રોજ તા ૧૦ સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી છોટાઉદેપુર તાલુકાના ૨૧૯ મીમી, પાવીજેતપુર તાલુકામાં ૨૫૩ મીમી, સંખેડા તાલુકામાં ૭૦ મીમી, નસવાડી તાલુકામાં ૫૮ મીમી, બોડેલી તાલુકામાં ૪૧૧ મીમી અને કવાંટ તાલુકામાં ૨૩૨ મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ બોડેલી તાલુકાનો ૪૧૧ મીમી નોંધાયા છે.જ્યારે સૌથી ઓછો નસવાડી તાલુકાનો ૫૮ મીમી નોંધાયો હતો.

કરજણ ડેમના ૪ દરવાજા ખોલી પાણી છોડાતાં ૬ ગામો એલર્ટ

રાજપીપલા, તા.૧૦

 નર્મદા જિલ્લામાં ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં ભારે વરસાદને કારણે કરજણ બંધના સરોવરમાં પાણીની આવક વધી હતી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કરજણ બંધની સપાટીમાં એકા એક વધારો થતા સપાટી રૂલ લેવલે ૧૦૪.૫૩ મીટર પહોચી જતા બપોર બાદ કરજણ ડેમના ૪ ગેટ ૧.૬૦ મીટર ખોલી ૧૯ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.કરજણ નદીમાં ૧૯ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા કરજણ નદી બેં કાંઠે વહેવા લાગી છે.જેના કારણે કરજણ નદી કિનારે આવેલ ધમણાચા, ધાનપોર, હજરપરા, ભદામ, ભચરવાડા, તોરણા ગામોને સાબદા કરવામાં આવ્યા છે.ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના કારણે સરકાર તરફથી નર્મદા જિલ્લા માટે એસ.ડી.આર.એફ ની એક ટીમ ફાળવવામાં આવી છે.એસ.ડી.આર.એફ ની નદી કિનારાના ગામો પર તૈનાત કરી દેવામાં આવી છે.છેલ્લા ચાર દિવસથી નર્મદા જિલ્લામાં પડી રહેલા વરસાદની વાત કરીએ તો ડેડીયાપડા તાલુકામાં અત્યાર સુધી ૩૮૧ મી.મી વરસાદ વરસી ચુક્યો છે, તેમજ સમગ્ર જિલ્લામાં અત્યાર સુધી ૨૯૦ મી.મી વરસાદ નોંધાયો છે, હાલ ડેડીયાપાડા અને સાગબારા તાલુકામાં સતત વરસાદને કારણે કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પાણીની આવક વધી રહી છે.હાલ નર્મદા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્‌યું છે, કરજણ નદીમાં પાણી છોડવાથી નદી બે કાંઠે વહેતી થઈ છે, જેને લઈને ગ્રામજનો અને પ્રવાસીઓ નજારો જાેવા ઉમટી રહ્યા છે.નર્મદા જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદને લીધે ડેડીયાપાડા અને સાગબારામાં સવારથી અંત્યાર સુધી ૩ ઇંચ વરસાદ નોંધાયો છે.જેને કારણે કરજણ ડેમ માંથી પાણી છોડાતા જેને જાેવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે, નર્મદા જિલ્લાને મીની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે અને આજે ચોમાસાની ઋતુમાં ખરેખર જિલ્લાનું સૌંદર્ય ખીલી ઉઠ્‌યું છે.નર્મદા જિલ્લાના વરસાદની વાત કરીએ તો આજે સવારથી અત્યાર સુધીમાં ૫ થી ૭ ઇંચ વરસાદ વર્ષી ચુક્યો છે.

શહેરમાં છ જગ્યાએ વૃક્ષો ધરાશાયી

શહેર-જિલ્લામાં સત્તાવાર ચોમાસાનો પ્રારંભ થઈ ચૂકયો છે ત્યારે તેની સાથે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બનવા પામ્યા છે. વિતેલા છેલ્લા ર૪ કલાક દરમિયાન છ જેટલા વૃક્ષો ધરાશાયી થયાં હતાં. જેમાં બે સ્થળે ફોર વ્હીલને નુકસાન થવા પામ્યું હતું. શહેરમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન જાેરદાર ઝાપટાં સાથે વરસી રહેલા વરસાદને કારણે શહેરના મનીષા ચોકડી જલધારા એપાર્ટમેન્ટ પાસે આવેલ વૃક્ષ વરસાદમાં ધરાશાયી થયું હતું. આ બનાવમાં ઝાડ નજીક પાર્ક કરેલ કાર ઉપર પડતાં કારનો ખુરદો બોલી ગયો હતો અને ભારે નુકસાન થયું હતું. જ્યારે બીજા બનાવમાં જે.પી. રોડ વિસ્તારના ઉદયપાર્ક પાસે પાર્ક કરેલ કાર ઉપર વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં કાર દબાઈ જતાં તેને પણ નુકસાન થવા પામ્યું હતું. આ સાથે શહેરના અટલાદરા, નારાયણ વાડી, ગોત્રી, રૂપલ પાર્ક સોસાયટી, સમા ઐયપ્પા અને જામ્બુઆ ગામ બ્રિજ પાસે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનવા પામ્યા હતા. આ બનાવોની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની રેસ્કયૂ ટીમોએ કામગીરી હાથ ધરી હતી.

વાઘેથાના પોલ્ટ્રીફાર્મમાં વરસાદી પાણી ભરાઈ જતાં ૫૦૦૦ મરઘાંનાં મોત

સંખેડા તાલુકાના વાઘેથા પાસે આવેલા એક મરઘા ફાર્મની આજુબાજુ પાણી ભરાઈ જતાં આશરે ૫૦૦૦ મરઘાંના મોત થયા હતા.સંખેડા તાલુકામાં સાંજના સમયે ૪ કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં સંખેડા તાલુકાના વાઘેથા ગામની સીમમાં આવેલા મરઘા ફાર્મમાં પણ પાણી ભરાયા હતા.જેને કારણે અહીં આગળ-પાછળ આવેલા બે મરઘા ફાર્મમાં પાણી ભરાતાં આશરે ૫૦૦૦ હજાર જેટલા મરઘાંના મોત નિપજ્યાં હતા. મરઘા કેન્દ્રનું સંચાલન કરતા સંચાલકે જણાવ્યું હતું કે ૭૦૦૦ જેટલા મરઘા અહીંયા લાવ્યા હતા. મરઘા ફાર્મમાં પાણી આવી જતાં આશરે ૫૦૦૦ જેટલા મરઘા મરી ગયા છે. ઠંડી અને પાણી ભરાયા હોવાથી હજી પણ કદાચ બીજા મરઘા મરી શકે છે.”

સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી ૧૦ કલાકમાં ૫૨ સેન્ટિમીટર વધી

રાજપીપળા ઃ સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં ૧૦ કલાકની અંદર ૫૦ મિમી કરતાં પણ વધારે વરસાદ પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ૧૦ કલાકમાં ૫૨ સેન્ટીમીટર વધવા પામી છે.ગુજરાતમાં મેઘ મહેર થઇ રહી છે ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.સતત વરસાદ વરસી રહ્યો હોવાને કારણે નર્મદા ડેમ વિસ્તારમાં પણ પાણીની આવક વધી રહી છે.હાલમાં પાણી તો ખાસ ઉપરથી છોડવામાં નથી આવતું પરંતુ આજે દિવસ દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ સરદાર સરોવર નર્મદા ડેમમાં પડવાના કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સવારે ૮ઃ૦૦ વાગે ૧૧૪.૭૨ મીટર હતી જે સાંજે સાત વાગ્યે ૧૧૫. ૨૩ મીટર ગઈ છે.એટલે કે માત્ર જ ૧૦ કલાકની અંદર જ સરદાર સરોવર નર્મદા ડેમની ડેમની જળ સપાટીમાં ૫૨ સેન્ટિમીટરનો વધારો થયો છે.

બોડેલી, અલીપુરા, ઢોકલિયા સહિત ગામમાં ઠેર-ઠેર જળબંબાકાર

બોડેલી, તા.૧૦

બોડેલીમાં ૧૬ ઇંચ કરતા વધુ વરસાદ થયો હતો.બોડેલી નગર બેટમાં ફેરવાયું અનેક લોકોને બોટ દ્વારા એન ડી આર એફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વિસ્તારમાં આજે સવારે ૭ઃ૦૦ વાગ્યાના અરસામાં મેઘરાજાએ ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી લઈ વરસવાનું શરૂ કર્યું અને સતત એકધારું વરસવાનું ચાલુ રાખતા જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ છ વાગ્યા સુધીમાં ૧૦ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે બોડેલી અલીપુરા, ઢોકલીયા સહિત નજીકના મંજીપુરા, ચાચક, અને ચારોલા ગામમાં ઠેર ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ ત્યારે બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર ચારેય દિશાઓમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ જતા પોલીસ તંત્ર ને થોડીવાર માટે રસ્તો પણ બંધ કરાવવા ની ફરજ પડી હતી જાેકે થોડીવારમાં પોલીસે રસ્તો ક્લિયર કરાવ્યો હતો. પરંતુ અલીપુરાની રામનગર સાધના નગર ગંગાનગર જેવી વિવિધ સોસાયટીઓ સાથે ઢોકળીયા ના રજિયાનગર તેમજ દીવાનફળીયા વિસ્તારમાં લગભગ ઘુટણસમા પાણી ભરાઈ જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ રજીયાનગર અને દિવાન ફળિયા વિસ્તારમાં રહીશો ફસાઈ જતા તેઓને તંત્ર દ્વારા રેશ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા.બોટ દ્વારા એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.બોડેલી વિસ્તારમાં સવારથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લઈ વરસવાનું શરૂ કરી ઠેરઠેર પાણી ભરાઈ જતા બોડેલીના પ્રાંત અધિકારી ઉમેશભાઈ શાહ, મામલતદાર રાજેશભાઈ ભટોળ સહિત પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એસ સરવૈયા પોતાના સ્ટાફના માણસો સાથે ફરી પરિસ્થિતિનો તાગ મેળવી ઘટતી કાર્યવાહી કરવા સતત નજર રાખી રહ્યા છે અને ઢોકલીયાનાં રજા નગર તેમજ દિવાનફળીયા વિસ્તારમાં પાણી માં ફસાયેલા લોકોને સહીસલામત બહાર કાઢવા એક બોટ સાથે ૧૦ તરવૈયા યુવાનો ની ટીમ તેમજ છોટાઉદેપુર નગર પાલિકા નાં ફાયર વિભાગના નાં જવાનોની ટીમ મોકલી રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે.

બોડેલી પીએસઆઇએ જીવના જાેખમે બચાવ કામગીરી હાથ ધરી

બોડેલી માં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇને અનેક જગ્યાઓ પર પાણી ભરાયા છે અત્યાર સુધી સવારથી લઈને હમણાં સુધી ૧૦ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે બોડેલી ઢોકલીયા વિસ્તારના દિવાન ફર્યા અને રજા નગર બોટ માં ફેરવાયેલ છે ત્યારે બોડેલી પી.એસ.આઇ દ્વારા ફસાયેલા વ્યક્તિઓને રેસક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રજાનગર વિસ્તારમાં બોડેલી પીએસઆઇ સરવૈયા દ્વારા ફસાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ

બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જતાં આવતી-જતી પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી