29, જુલાઈ 2023
2079 |
વડોદરા, તા. ૨૮
નવી શિક્ષણ નીતિના અમલને ધ્યાનમાં રાખીને શિક્ષણ જગતમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ચોમાસા સત્રની શરૂઆત દરમિયાન કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવા માટેની ચર્ચા શરૂ થઈ હતી. ત્યાં જ ભાજપાની જ વિદ્યાર્થી પાંખ ગણાતી એબીવીપી દ્વારા કોમન યુનિ. એક્ટની હિમાયત કરતો એક પ્રિપત્ર વાયરલ થયો હતો. આ પરિપત્રને લઈને યુનિ.માં આ કાયદા બાબતની ઉગ્ર ચર્ચાએ જાેર પકડ્યું છે.ભૂતકાળમાં પણ આ કાયદાના અમલ માટેની કોશિશો થઈ હતી. જાેકે, મોટા પાયે વિરોધ થતાં મુલતવી રાખવામાં આવ્યું હતંુ. હવે ફરીથી કાયદાના અમલ માટેની ચર્ચાએ મ.સ. યુનિ.માં જાેર પકડ્યું છે ત્યારે આ કાયદો શું છે? અને સત્તાધીશો શું કહે છે?
કોમન યુનિવર્સિટી એક્ટ ચૂંટણીઓ માટે નહીં, પણ એકેડેમિક સિસ્ટમ માટે હોવો જાેઈએ
મ.સ. યુનિ.ના ચાન્સેલરના પદ પર નિયુક્ત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે લોકસત્તા – જનસત્તાને જણાવ્યું હતું કે, યુનિ.નો મુખ્ય હેતું વિદ્યાર્થીઓના શિક્ષણની મહત્વતા અને તેની પદ્ધતિનો છે. આ એકટ બન્યા બાદ યુનિ.માં ફક્ત ચૂંટણી સહિતના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત ન થાય અને ભણતર પર ધ્યાન રહે તો આ એક્ટ આવે તે સારી બાબત છે.
કાયદો શું કહે છે?
નવી શિક્ષણ નીતિ ત્યારે જ સમાન રીતે લાગુ થઈ શકે જ્યારે કોમન યુનિ. એકટ લાગુ થાય. કાયદાને લાગુ કરવા માટે સૌ પ્રથમ ખાલી જગ્યાઓ જ્યાં પ્રોફેસર, શિક્ષકો સહિતના લોકોની જગ્યા પૂરવામાં આવશે ત્યાર બાદ આ કાયદો લાગુ થશે. કાયદો લાગુ થતાં જ ચૂંટણી સહિતની પ્રક્રિયા પર રોક આવી જશે એટલે કે સેનેટ કે સિન્ડિકેટ સભ્યો નહીં રહે તેમની જગ્યાએ બોર્ડ ઓફ ગર્વન્સ આવી જશે. તમામ સભ્યોની પાંચ વર્ષની ટર્મ રહેશે. તે સિવાય ઉચ્ચ સ્તરે એટલે કે ચાન્સેલરના સ્તરે રાજવી પરીવારના સભ્યો જ યથાવત રહેશે, પરતું વાઈસચાન્સેલરના પદ સ્વરૂપે કાયદાની રુએ નિયુકત વ્યક્તિઓ નિયુક્તી પામશે.
એકટથી યુનિ.ની સ્વાયતતા પર કોઈ પણ અસર થશે નહીં
સેનેટ સભ્ય હસમુખ વાધેલાએ જણાવ્યું હતું કે, આ એકટ વિદ્યાર્થીઓના તરફેણમાં છે. નવી શિક્ષણ નીતિના અમલ માટે તે જરૂરી છે. આ કાયદા હેઠળ ૩૩ ટકા મહિલાઓને અનામત મળશે, તે સિવાય પછાત વર્ગને પણ મોકો મળશે. એકટથી યુનિ.ની સ્વાયતા પર કોઈ પણ અસર થશે નહીં.
બોર્ડ ઓફ ગવર્નસ આવશે તો શિક્ષણનો હેતુ જળવાશે
ફેકલ્ટી ઓફ લોના એડવોકેટ અવધૂત સુમંતે જણાવ્યું હતું કે, યુનિ.નો હેતું સો ટકા એકેડેમિક હોવો જાેઈએ. એકટનો હેતુ પણ ચોક્કસ હોય તો આ કાયદો સારી બાબત છે. ચૂંટાયેલા લોકોને કારણે પક્ષપાત થવાની શક્યતા છે, પરંતુ કાયદા બાદ બોર્ડ ઓફ ગવર્નસ આવશે તો શિક્ષણનો હેતુ યથાવત રહી શકે છે.
સરકાર વિદ્યાર્થીઓના હિતમાં જ વિચારીને નિર્ણય લેશેે
સિન્ડિકેટ સભ્ય સત્યેન કુલાબકરે આ વિશે જણાવ્યું હતું કે, સરકાર જે નિર્ણય લે છે તે સમજી વિચારીને લે છે. આ એકટની બાબત માટે પણ સરકાર વિદ્યાર્થીઓના હિતમાં જ વિચારીને નિર્ણય લેશે, એવું સમજવામાં આવી રહ્યું છે.
સરસ્વતી દેવીને દાસી બનાવવા જેવી વાત!
બુટાના વડા તરીકે જાણીતા પ્રો.આઈ.આઈ. પંડ્યાએ આ વિશે કહ્યું હતું કે, આ એકટ લાગુ કરવો એ તદ્ન ગેરવાજબી છે. વર્ષ ૨૦૦૪માં પણ આ એકટ લાગુ કરવાની વાત હતી, પરંતુ વિરોધ થતાં અટકી ગયો હતો. આ એકટના કારણે સ્વાયતા જળવાશે નહીં. શિક્ષણ અને સમાજ વ્યવસ્થા અલગ વસ્તુ છે. શિક્ષણ જગતમાં સરકારની ચંચૂપાત યોગ્ય નથી. આ એક પ્રકારનું ષડયંત્ર છે. સરકારી કોલેજાે બંધ કરીને તમામ ખાનગી કોલેજાેને સપોર્ટ કરવા માટે આ એકટ લાગુ કરવામાં આવે છે. આ તો સરસ્વતી દેવીને દાસી બનાવવા જેવી વાત છે.
કોમન યુનિ. એકટ એ શિક્ષણજગત માટે કાળો કાયદો છે
મ.સ.યુનિ.પશ્ચિમ ભારતની સ્થાનિક અને વિશ્વ વિખ્યાત યુનિ. છે. એક માત્ર એવી યુનિ. છે જે વિદ્યાર્થીઓને ઘર આંગણે અંગ્રેજીમાં શિક્ષણ પૂરું પાડે છે. અંગ્રેજી અને ગુજરાતી યુનિ.માં સમાન કાયદો કેવી રીતે લાગુ પાડી શકાય? યુનિ.માં જાે ઈન્ટરનલ ટ્રાન્ફર થશે તો વિદ્યાર્થીઓને જ નુકશાન થશે. ભણતરના સ્તરમાં પણ ઘટાડો આવશે. શિક્ષણ એ સ્વતંત્ર્ય છે તે કોઈ કંપની નથી માટે સિન્ડિકેટ અને સેનેટ સભ્યોની બેઠક હોવી જરૂરી છે. આ કાયદોએ શિક્ષણ જગત માટે કાળો કાયદો છે, તેમ સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું.