ન્યૂ યોર્ક 

જગતના ઈતિહાસનું સૌથી મોટું પોન્ઝી સ્કેમ કરનારા અમેરિકી અપરાધી બર્ની મેડોફનું અમેરિકી જેલમાં ૮૨ વર્ષે અવસાન થયું છે. જેલ અધિકારીઓએ જણાવ્યુ હતુ કે બુધવારે બર્નીનું મોત કુદરતી રીતે જ થયું હતું. બર્નીએ કૌભાંડની શરૂઆત કરી ત્યારે તેઓ અમેરિકી શેરબજાર નાસ્ડાકના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હતા. રોકાણકારોને શિશામાં ઉતારી નાણા મેળવવાની તેમને ફાવટ આવી ગઈ હતી.

૨૦૦૮માં મેડોફનું કૌભાંડ સામે આવતા તેની ધરપકડ થઈ હતી. તપાસ કરતાં ખબર પડી હતી કે રોકાણના નામે ૧૩૭ દેશોમાં તેણે ૩૭૦૦૦થી વધારે નાગરિકોને નવડાવ્યા હતા. તેના કૌભાંડની કુલ રકમ ૬૪.૮ અબજ ડૉલર થઈ હતી. અમેરિકી ન્યાયત્રંતએ કેસની ગંભીરતા જોઈને ૧૫૦ વર્ષની સજા ફટકારી હતી. સજા કાપતાં જ જેલમાં તેનું મૃત્યુ થયુ હતુ. તેની છેતરપિંડીનો ભોગ બનનારાઓમાં હોલિવૂડ ડિરેક્ટર સ્ટિવન સ્પિલબર્ગ, નોબેલ વિજેતા એલિ વાઈઝ વગેરે સેલિબ્રિટીનો પણ સમાવેશ થતો હતો.

જેના નાણા ડૂબ્યા હતા તેમાંથી ઘણાએ આત્મહત્યા કરવી પડી હતી. બર્નીના એક દીકરા માર્કે આત્મહત્યા કરી લીધી હતી જ્યારે બીજા એન્ડ્રયુનું મોત બિમારીથી થયું હતું. એન્ડ્રયુની બાતમીથી જ પોલીસ તેના પિતાના કૌભાંડ સુધી પહોંચી શકી હતી. બર્નીની પત્ની રૂથ પણ આ કૌભાંડની સજા ભોગવી રહી છે. બર્નીના ભાઈ પિટરને પણ આઠ વર્ષની સજા થઈ હતી.

આ કૌભાંડ બહાર આવ્યા પછી અમેરિકી સરકારે ભવિષ્યમાં આવા કૌભાંડો ન થાય એ માટે નવા નિયમો બનાવવા પડયા હતા.

પોન્ઝી સ્કેમ શું છે?

પોન્ઝી સ્કીમમાં રોકાણકારોને નાની રકમ રોકવા સામે આકર્ષક વળતર અપાય છે. રોકાણકારોને એવુ કહેવામાં આવે છે કે અમુક પ્રોડક્ટના વેચાણથી આ વળતર મળે છે. સામાન્ય રોકાણ કરતા આવી સ્કીમમાં ચાર-પાંચ ગણુ વધારે વળતર અપાતું હોય છે. એટલે રોકારણકારો ધીમે ધીમે રોકાણ વધારતા જાય છે. તેમને વળતર નવા રોકાણકારો દ્વારા આવતી રકમમાંથી અપાય છે. નવા રોકાણકારો મળતા બંધ થાય ત્યારે વિષચક્ર અટકે છે અને છેવટે એક પછી એક રોકાણકારોના નાણા ડૂબે છે.