ગાંધીનગર-

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતાં. થોડા પહેલાં પત્ની રેશમા પટેલ સાથેનો વિવાદ સામે આવ્યો હતો અને બન્નેએ એક બીજા સામે જાહેર નોટીસ આપી હતી. હવે ભરતસિંહના પિતા સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીની પૈતૃક સંપત્તિનો વિવાદ સામે આવ્યો છે. તેમના બહેન અલકા પટેલે આવી જાહેર ચેતવણી આપી છે. ગાંધીનગર સેક્ટર 19 સ્થિત પૈતૃક મકાન મામલે જાહેર નોટિસ આપી છે. મકાનમાં 3 ભાઈ અને 2 બહેનો વારસદાર તરીકે હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મકાન તેમની જાણ બહાર અને હક્ક આપ્યા વિના વેચાઈ રહ્યા હોવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. મકાનની લે-વેચમાં અલકાબેન પટેલનો સંપર્ક કર્યા સિવાય મકાનનો કરાર, લખાણ કે વ્યવહાર કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થશે તેવું નોટિસમાં કહેવાયું છે. સ્વ.માધવસિંહ સોલંકીના પરિવારમાં એમના ત્રણ પુત્રો ભરત સોલંકી, અશોક સોલંકી, અતુલ સોલંકી અને 2 બહેનો વસુધાબેન અને અલકાબેન છે. કોંગ્રેસ નેતા ભરત સોલંકી તેમજ તેમના ભાઈ બહેનોમાંથી અલકા પટેલ દ્વારા એક જાહેર નોટિસ આપવામાં આવી છે. જેમાં ગાંધીનગર સ્થિત પૈતૃક મકાન મામલે હક્કને લઈને વાત કરવામાં આવી છે. નોટિસમાં મકાનમાં 3 ભાઈ અને 2 બહેનો વારસદાર તરીકે હોવાનો ઉલ્લેખ કરાયો છે, પરંતુ તે મકાન તેમની જાણ બહાર અને હક્ક આપ્યા વિના વેચાઈ રહ્યા હોવાનો ઉલ્લેખન કરાતા રાજકીય માહોલમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે.