ભરૂચ: કેસર ગામમાં પ્રાથમિક સુવિધાના અભાવથી 300 લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો

ભરૂચ-

ભરૂચના વાલિયા તાલુકાના કેસર ગામના લોકોએ પ્રાથમિક સુવિધા ન મળતા ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન પ્રક્રિયાથી અળગા રહેતા વહીવટી તંત્ર દોડતું થયું છે. ગામના મતદાન મથક પર સવારે સાત વાગ્યાથી જ ચૂંટણી સ્ટાફ હાજર હતો. પરંતુ, એક પણ મતદાર મતદાન માટે ના આવતા મતદાન મથક ખાલીખમ્મ જાેવા મળ્યા હતા. વાલિયા તાલુકાનાં કેસરગામના લોકો આઝાદીના સાત દાયકા બાદ પણ વિકાસથી વંચિત રહ્યા છે. તાલુકાનાં આ ગામમાં ૯૫૦ લોકો વસવાટ કરે છે. કેસરગામ અને ઈટકલા ગામની ગ્રૂપ ગ્રામ પંચાયત ઈટકલા ગામમાં આવેલ છે જેથી કેસરગામના લોકોએ સસ્તા અનાજની દુકાનમાં સામાન લેવા ઈટકલા ગામમાં જવું પડે છે. આ ઉપરાંત શાળાના બાળકોએ જીવના જાેખમે કીમ નદીને પાર કરી અભ્યાસ માટે આ ગામમાં જવું પડતું હૉય છે.

આ બંને ગામ વચ્ચે કીમ નદી વાટે અડધો કિલોમીટર છે જ્યારે ચાર ગામ ફરીને જવું હૉય તો ૨૦ કિલો મીટરનું અંતર કાપીને જવું પડે છે. આ નદી પર પુલ બનાવવાની અનેકવાર માંગ કરવામાં આવી છે પરંતુ તંત્ર અને નેતાઓએ બસ વાયદાઑ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. ૭ વર્ષ પહેલા ભરુચ જિલ્લા કલેકટર અને સાંસદ મનસુખ વસાવાએ રૂબરૂ મુલાકાત લઈ ગામમાં પુલ અને અન્ય પ્રાથમિક સુવિધા આપવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી ગ્રામજનોને વાયદાઓ સિવાય કઈ મળ્યું નથી. ત્યારે ગામના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે અને જ્યાં સુધી સુવિધા ન મળે ત્યાં સુધી આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે બાદ આજરોજ મતદાન દિવસના રોજ ગામના ૩૦૦ મતદારો મતદાન નહિ કરી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો ગ્રામજનોએ મતદાન નહિ કરતા વહીવટી તંત્ર દોડતું થયું છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution