ભુજ-

શહેરમાં બુધવારે જિલ્લા પંચાયતની સામે આવેલા સેવંતી કોમ્પ્લેક્સમાં કેશવલાલ જેઠાલાલ જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલા બે શખ્સોએ રૂપિયા ૧૪ લાખ ૧૪ હજારના સોનાના દાગીનાની ચોરી કરી હતી. જે બનાવમાં પોલીસે તુરંત એકશન લઈને મોરબીથી ઈરાની ગેંગના સાગરીતને ઝડપી પાડ્યો હતો. જેના અન્ય બે સાગરિતોને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ શખ્સો પાસેથી 14 લાખ 14 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે જારી કરેલી પ્રેસનોટમાં જણાવાયું હતું કે, ભુજમાં જ્વેલર્સની દુકાનમાંથી વેપારીની નજર ચુકવીને 14.14 લાખના સોનાની તસ્કરી કરનાર ઈરાની ગેંગના બે શખ્સો રાજકોટ રેલવે સ્ટેશન આસપાસ હોવાની બાતમી મળી હતી. જે બાતમી હકીકતને આધારે પોલીસે વર્કઆઉટ કરીને બન્ને આરોપીઓને દબોચી લીધા હતા. મુળ મુંબઈના ઘાટકોપરના આરોપી ગુલામ અબ્બાસ ઉર્ફે મિસમ સોકતઅલી શેખ અને ગુલામ ઉર્ફે સુલતાન ઉર્ફે ગુજજી ઉર્ફે ટિંગના નાસીર હુસેન સુલેમાનશા સીયાની ધરપકડ કરવામાં આવી હતી. બન્ને આરોપીઓના કબ્જામાંથી 5 સોનાની ગીની તેમજ સોનાના રો-મટીરીયલના આશરે 70 જેટલા ટુકડા મળીને કુલ 14 લાખ 14 હજાર 400નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે, તેઓ જ્વેલર્સની દુકાનોમાં ચોરી કરતા હતા. વેપારીઓની નજર ચુકવીને દાગીના બતાવવાનું કહી દાગીના સેરવી લેતા હતા.