વડોદરા, તા.૧૦

પાણીગેટ ખાનગા મોહલ્લામાં રહેતા યુવક ગત રાત્રે જાહેરમાર્ગ પર મિત્રોના ટોળા ભેગા કરીને બર્થડેની ઉજવણી કરતો હોવાની જાણ થતાં જ વાડી પોલીસે ખાનગા મોહલ્લામાં દરોડો પાડ્યો હતો. જાેકે પોલીસને જાેતા જ ટોળું ફરાર થઈ જતા પોલીસે બર્થડે બોય સહિતના ટોળા સામે ગુનો નોંધી ઘટનાસ્થળેથી એક કાર કબજે કરી હતી. આજે તપાસ દરમિયાન પોલીસે બર્થડે બોય સહિત આઠની ધરપકડ કરી હતી.

પાણીગેટ ખાનગા મોહલ્લામાં માસુમ એપાર્ટમેન્ટમાં રહેતા જુનેદ ઉર્ફ મગર સિંધીની આજે બર્થડે હોઈ ગત રાત્રે બારના ટકોરે તે અને તેના મિત્રોએ માસુમ એપાર્ટમેન્ટ નીચે બર્થડેની ઉજવણી શરૂ કરી હતી. કેક કટીંગ બાદ યુવકો બર્થડે ઉજવવા માટે બુમરાણ મચાવતા હોઈ કોઈ સ્થાનિક નાગરિક આ અંગની પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરી હતી. કન્ટ્રોલ રૂમ દ્વારા વાડી પોલીસને આ બનાવની જાણ કરાતા જ વાડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જાેકે પોલીસને જાેતા જ ટોળામાં નાસભાગ મચી હતી જેથી પોલીસના હાથે કોઈ ઝડપાયું નહોંતુ. પોલીસે ઘટનાસ્થળેથી બર્થડેમાં આવેલા મિત્રોની એક આઈ-૨૦ કાર બિનવારસી હાલતમાં કબજે કરી હતી.

 આ બનાવમાં પોલીસે બર્થડે બોય તેમજ તેના સાગરીત મિત્રો અને કારચાલકના સહિતના ૧૦થી ૧૨ના ટોળા સામે ગુનો નોંધી તપાસ કરી હતી. પોલીસે બર્થડે ઉજવણીના સ્થળ પાસેની સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી કરી હતી જેમાં પાણીગેટ વિસ્તારની ન્યુચાલી પાસે હબીબ મંઝીલમાં રહેતા જાવેદ ઉર્ફ મગર હનીફ મલેકે તેની બર્થ ડે ઉજવણી માટે ટોળુ ભેગુ કર્યું હોવાની વિગતો મળતા પોલીસે જાવેદ મલેકને ઝડપી પાડ્યો હતો. તેની પુછપરછના આધારે પોલીસે બર્થડેમાં સામેલ તેના અન્ય સાત મિત્રો મહંમદકૈફ સઈદ સૈયદ, રહીમતા રહેમતશા દિવાન, અનસ મહંમદઈર્શાદ કુરેશી, સમીર અજીમભાઈ શેખ, રિયાઝ મુન્નાભાઈ પઠાણ, મુસીસ મુસ્તાક મન્સુરી અને જુનેદ સલીમ સિંધીની પણ ધરપકડ કરી હતી.