ગાંધીનગર ગુજરાત ગૌણ સેવા પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હતું. જે અંગે ‘આપ’ દ્વારા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે હલ્લાબોલ કર્યો હતો. ત્યારે ‘આપ’ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા ‘આપ’ના નેતાઓ અને કાર્યકરો સામે દારૂ પીને છેડતી કર્યા સહિતના ગુના અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના અંતર્ગત આજે આમ આદમી પાર્ટી ‘આપ’ના નેતા ઈસુદાન ગઢવીનો દારૂ પીધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મામલે ઈસુદાને કહ્યું હતું કે, ઈશ્વરના સોગંદ ખાઉ છું, મે જિંદગીમાં ક્યારેય દારૂ નથી પીધો’. આ ભાજપનું નિમ્ન કક્ષાનું રાજકારણ છે. જયારે ‘આપ’ના પ્રદેશ અગ્રણી મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો તેના ૧૨ દિવસ પછી બીજાે રિપોર્ટ પોઝિટિવ કેવી રીતે આવ્યો? તેવો પણ સવાલ કર્યો હતો. ગુજરાતમાં ગત. તા. ૧૨મી ડિસેમ્બરના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ત્રણ દિવસ પહેલાં જ લીક થઈને કેટલાક લોકો સુધી સર્ક્‌યુલેટ થયું હતું. જેનો સરકારે પણ સ્વીકાર કરી લીધો છે. ત્યારે આ પેપરલીક કાંડ મામલે ‘આપ’ના નેતાઓ અને કાર્યકરો ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ ઘર્ષણ બાદ ભાજપના મહિલા નેતા શ્રદ્ધા રાજપૂત દ્વારા ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ અને કાર્યકરો પર છેડતીનો આરોપ મુકતા ઈસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ઈસુદાન ગઢવીનો નશાનો પ્રાથમિક રિપોર્ટ નોર્મલ આવ્યો હતો. જ્યારે આજે તેમનો લિકર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે હવે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ઈસુદાન ગઢવી સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવશે. જયારે બીજી બાજુ આ મામલે ઈસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું હતું કે, ભાજપ નિન્મકક્ષાની રાજનીતી કરે છે. મેં મારી જિંદગીમાં ક્યારેય દારૂ પીધો નથી. ઈશ્વરના સોગંધ ખાઉ છું કે, મેં ક્યારે દારૂ પીધો નથી અને પીવાનો પણ નથી. જનતાની લડાઈ માટે મને ગોળી મારશો તો પણ જનતા માટે મરી જવા માટે હું તૈયાર છું. જ્યારે ‘આપ’ના પ્રદેશ નેતા મહેશ સવાણીએ ઈસુદાન ગઢવીના લિકર રિપોર્ટ ઉપર તંત્ર સામે સવાલ ઉઠાવ્યા છે. મહેશ સવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઈસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.