ગાંધીનગર-

ભાજપ સરકારે દ્વારા છેલ્લા સાત વર્ષમાં ગૃહિણીઓના ઘરના બજેટમાં ધાડ પાડવાનું કામ કર્યુ છે તેવો આક્ષેપ કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધપક્ષના અર્જુન મોઢવાડિયા દ્વારા કરવામાં આવ્યો છે. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ખેત ઉત્પાદનોના ભાવ વધ્યા નથી, જ્યારે મોંઘવારીમાં બમણો વધારો થઈ ગયો છે. એટલું જ નહિ, ભાજપ સરકાર લોકોની બચત તો ઠીક તેમના મુખનો કોળીયો પણ છીનવી રહી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મોંઘવારીના વહાણમાં સવાર ભાજપ સરકારે છેલ્લા સાત વર્ષમાં ગૃહિણીઓના ઘરના બજેટમાં ધાડ પાડવાનું કામ કર્યુ હોવાનો આક્ષેપ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના પૂર્વ નેતા અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કર્યો છે. મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, એક બાજુ સાત વર્ષમાં ખેત ઉત્પાદનના ભાવમાં કોઈ વધારો થયો નથી. જ્યારે બીજી બાજુ 2014માં કપાસીયા તેલ (ડબ્બો) રૂપિયા 1040 માં મળતો હતો. જેના ભાવ વધીને અત્યારે રૂપિયા 2600 સુધી પહોંચી ગયા છે. સિંગતેલ (ડબ્બો) જે 2014માં રૂપિયા 1370 માં મળતો હતો, તેના ભાવ અત્યારે વધીને રૂપિયા 2800 સુધી પહોંચી ગયા છે. એલપીજી સિલિન્ડરના ભાવ 2014 માં રૂપિયા 410 હતા, જે સાત વર્ષમાં વધારીને રૂપિયા 834 કરી દેવાયા છે. અમૂલ ગોલ્ડ એક લિટર દૂધના ભાવ 2014 માં રૂપિયા 42 હતા જે વધારીને અત્યારે રૂપિયા 58 કરી દેવામાં આવ્યા છે. વર્ષ 2014 માં એક કિલો કઠોળના સરેરાશ ભાવ રૂપિયા 60 થી 80 હતા, જે વધારીને રૂપિયા 140 થી 180 કરી દેવાયા છે.

આ ઉપરાંત શાકભાજી સહિતની અન્ય વસ્તુઓના ભાવ પણ આસમાને છે. પરિણામે 2014માં મધ્યમ વર્ગના પરિવારની ગૃહિણીઓ માસિક સરેરાશ રૂપિયા 15,000 ખર્ચમાં ઘર ચલાવતી હતી. તેમને હવે ઘર ચલાવવા માટે વર્ષ 2021 માં રૂપિયા 25,000 નો ખર્ચ કરવો પડી રહ્યો છે. કોરોના મહામારી સહિતના પરિબળોને કારણે સામાન્ય વર્ગના પરિવારોની આવક વધવાની જગ્યાએ ઘટી છે અથવા છીનવાઈ ગઈ છે. ત્યારે આવી કાળઝાળ મોંઘવારીમાંથી લોકોને રાહત આપવાની જગ્યાએ લૂંટેરી સરકાર ધાડપાડુ બનીને લોકોની બચત તો ઠીક પરંતુ મુખનો કોળીયો પણ છીનવી રહી છે.