વડોદરાને મેલું કરનારા ‘ગંદવાડ’ સામે ભાજપ હાઇકમાન્ડનું સફાઈ અભિયાન
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, એપ્રીલ 2026  |   વડોદરા   |   2277

વડોદરાના રાજકીય ઈતિહાસમાં શુક્રવારની સાંજ એક એવી ‘સર્જિકલ સ્ટ્રાઈક’ લઈને આવી, જેની કલ્પના ખુદ સત્તાના નશામાં ચૂર નેતાઓએ પણ નહીં કરી હોય. જેઓ પોતાને વડોદરાના ‘ભાગ્યવિધાતા’ સમજતા હતા, જેઓ અધિકારીઓને ખિસ્સામાં લઈને ફરતા હતા અને જેમને એમ હતું કે પક્ષ તેમની ‘વગ’ સામે ઝૂકી જશે, તેવા ૬૦ જેટલા કોર્પોરેટરોનું ભાવિ વિશ્વકર્માજીએ લખી નાખ્યું છે. પ્રદેશ પ્રમુખની ટીમે એક જ ઝાટકે કચરો સાફ કરી ‘ડસ્ટબિન’ ભેગા કરી દીધા છે. આ ર્નિણય માત્ર ટિકિટ કાપવા પૂરતો નથી, પણ વડોદરા કોર્પોરેશનમાં વર્ષોથી જામેલા ‘ગંદવાડા’ને સાફ કરવાનું એક ભગીરથ કાર્ય છે. મેયર પિન્કીબેન સોની હોય, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી, આ નામોએ ગત પાંચ વર્ષમાં વડોદરાને શું આપ્યું? સિવાય કે કૌભાંડોની ચર્ચા અને વહીવટી નિષ્ફળતા.

જ્યારે શહેરના રસ્તાઓ પર ખાડા પડતા હતા અને પીવાનું ગંદુ પાણી આવતું હતું, ત્યારે આ પદાધિકારીઓ અધિકારીઓને છાવરવામાં વ્યસ્ત હતા. જે પક્ષની છબીને નુકસાન પહોંચાડે, તેને ભાજપ ક્યારેય સાંખી લેતું નથી, તે વાત આજે હાઈકમાન્ડે સાબિત કરી દીધી છે. ટિકિટ મેળવવા માટે ‘ઉપલા’ લેવલ સુધી ધમપછાડા કરનારા નેતાઓને આજે ખબર પડી ગઈ હશે કે ભાજપમાં વ્યક્તિ કરતાં ‘સંગઠન’ અને ‘છબી’ મોટી છે. ૭૬માંથી ૬૦ને ઘરભેગા કરવા એ કોઈ નાનો ર્નિણય નથી. આ એવા લોકોનું વિસર્જન છે જેઓ સક્ષમ સાબિત ન થઈ શક્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દેશને સ્વચ્છ રાખવાની વાત કરતા હોય, ત્યારે પાલિકાના વહીવટમાં બેઠેલા ગંદા રાજકારણીઓને સાફ કરવા અનિવાર્ય હતા. હાઈકમાન્ડનો આ ર્નિણય વડોદરાના એ લાખો નાગરિકોની લાગણીનો પડઘો છે, જેઓ અન્ય શહેરોની સરખામણીમાં વડોદરાને પછાત રહી ગયેલું જાેઈને લોહીના આંસુ સારતા હતા. ૧૨ જેટલા પ્રામાણિક અને લાયક સભાસદોને રિપીટ કરીને પક્ષે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ‘કામ કરશો તો ટકશો, બાકી વેતરશો તો વેતરાઈ જશો.’

ભાજપે આજે જે ગંદવાડો સાફ કર્યો છે, તેનાથી હવે મેદાન ચોખ્ખું થયું છે. પણ હાં, હાઇકમાન્ડે જે યુવાન અને નવા ઉમેદવારોના શિરે કળશ ઢોળ્યો છે તેઓએ આજના આ ર્નિણયમાંથી શીખ લેવાની જરૂર છે. ભાજપ હાઇકમાન્ડે ટિકિટ આપી છે એનો મતલબ એવો છે કે, ખરેખર સેવાના કાર્યોને વરેલા કાર્યકર્તાઓ હવે મેદાનમાં આવશે, તેઓ વડોદરાને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા જાગી છે. જાે તમે પણ તમારા પૂરોગામીના પગલે ચાલશો તો તમારાં માટે આવતી વખતે ડસ્ટબિન તૈયાર જ હશે. વડોદરાના નાગરિકો હવે એવા પ્રતિનિધિઓની અપેક્ષા રાખે છે જેઓ માત્ર એસી ઓફિસોમાં બેસીને અધિકારીઓ સાથે ‘સેટિંગ’ ન કરે, પણ ગ્રાઉન્ડ પર ઉતરીને જનતાના પ્રશ્નો ઉકેલે.

જેઓ આજે ટિકિટ કપાયા પછી મોઢા સીવીને બેઠા છે, તેમણે સમજી લેવું જાેઈએ કે ‘વિકાસ’ કરવામાં જાે તમે સફળ ન રહો, તો ‘વિદાય’ લેવા માટે તૈયાર રહેવું જ પડે. હાઈકમાન્ડના આ આક્રમક વલણે સાબિત કર્યું છે કે ભાજપ માટે સત્તા એ ‘મલાઈ’ ખાવાનું સાધન નથી, પણ સેવાનો માર્ગ છે. હવે જાેવાનું એ રહેશે કે આ ‘શુદ્ધિકરણ’ પછી વડોદરા ખરેખર તેની સંસ્કારીની ઓળખ જાળવી રાખશે કે કેમ?

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution