29, જાન્યુઆરી 2021
495 |
અમદાવાદ, પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડ દરમિયાન કેટલીક જગ્યાએ હિંસા ફાટી નિકળી હતી. જેની ચર્ચા મીડિયાથી લઇ સામાન્ય નાગરિકો વચ્ચે થઇ રહી છે. આ બનાવને લઇ વિપક્ષે મોદી સરકારને ઘેર્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વીટ કરી મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. ૨૬ જાન્યુઆરીના રોજ થયેલી હિંસા પર ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. તેણે ટ્વીટ કરી જણાવ્યું કે,“ફરીથી યાદ અપાવુ છું. ભાજપ પહેલા સત્તામાં આવવા રમખાણ કરાવતી હતી અને હવે સત્તામાં રહેવા માટે રમખાણ કરાવે છે.” અગાઉ હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે ભાજપ જાણી જાેઇ ખેડૂત આંદોલનને બદનામ કરવા માંગે છે. પ્રજાસત્તાકની પરેડ ખતમ થતા જ લાલ કિલ્લા પર ભાજપના કાર્યકર્તાઓએ હિંસા કરી અને ખેડૂતોને બદનામ કર્યા. ભાજપ પોતાના ફાયદા માટે કોઇ પણ વ્યક્તિ, સમાજ, પાર્ટી અને આંદોલનને બદનામ કરવા માટે કોઇ પણ હદે જઇ શકે છે. હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસનો યુવા ચહેરો છે અને ખેડૂત આંદોલનને લઇ અવાજ ઉઠાવી રહ્યા છેહકીકતમાં ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ પહેલા સિંઘુ બોર્ડર પરથી એક સંદિગ્ધની ધરપકડ થઇ હતી. ત્યારબાદથી ખેડૂત સંગઠનના નેતાઓએ આંદોલનની આડમાં રમખાણ કરવવાના આરોપ લગાવ્યા હતા. ખેડૂત સંગઠનો દ્વારા પહેલા જ આરોપ લગાવવામાં આવી રહ્યા હતા કે જાે ટ્રેક્ટર પરેડ દરમિયાન કોઇ પણ પ્રકારની હિંસા થાય છે તો તે પહેલાથી સુનિશ્ચિત હિંસા હશે. દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા મામલે પોલીસે ભારતીય કિસાન યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈત, યોગેન્દ્ર યાદવ, મેધા પાટકર સહિત ૩૭ નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ મામલામાં રાકેશ ટિકૈતે જણાવ્યું કે ૨૬ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં જે પણ ઘટના બની. તેના પાછળ વહીવટીતંત્રનું ષડયંત્ર હતુ. અમને જે રૂટ રૂટ આપવામાં આવ્યા હતા, તેના પર બેરિકોડિંગ કરવામાં આવી હતી. ખેડૂતોને ગેરમાર્ગે દોડાવવામાં આવ્યા અને અસામાજિક તત્વોને જાણી જાેઇ એન્ટ્રી આપવામાં આવી હતી.