નડિયાદ : નડિયાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખપતિ અને કારોબારી ચેરમેન ફરી એકવાર વિવાદમાં સપડાયાં છે. પાલિકાના સરકારી કાર્યક્રમમાં સ્ટેજ પર સ્થાન લઈ લેતાં નવો વિવાદ જાગ્યો છે. ૧૧ ડિસેમ્બરે નડિયાદ નગરપાલિકામાં સત્તાધારી ભાજપ પક્ષની ટર્મ પૂરી થઈ ગઈ છે. તેમ છતાં હોદ્દાઓની મોહમાયા કેટલાંક નેતાઓના મનમાં ઘર કરી ગઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. 

એક ચર્ચા મુજબ, છેલ્લી ટર્મના પછીના અઢી વર્ષ સુધી પ્રમુખ રહેનારા દિપીકાબેન પટેલની બદલે તેમનાં પતિ સંજયભાઈ પટેલે નગરપાલિકાનો સંપૂર્ણ વહીવટ સંભાળ્યો હતો. તેમજ નગરપાલિકામાં લેવાતાં તમામ ર્નિણયો સંજયભાઈ પટેલ, કારોબારી ચેરમેન મનિષભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ પરીન બ્રહ્મભટ્ટ લેતાં હોવાનો પાલિકામાં ગણગણાટ ચાલ્યો હતો. ત્યારે આજે નડિયાદ કમળા ચોકડી નજીક નગરપાલિકા દ્વારા સરકારી કાર્યક્રમ યોજાયો હતો. એસટીપી પ્લાન્ટ પર સોલાર પ્રોજેક્ટના ઈ-લોકાર્પણનો કાર્યક્રમ વિવાદનું કારણ બન્યો છે. કારણ કે, એક ગણગણાટ મુજબ, આ કાર્યક્રમ સરકારી હોવા છતાં તેમાં નડિયાદ નગરપાલિકા દ્વારા ગેરબંધારણીય વ્યક્તિઓને સ્ટેજ પર બેસાડવામાં આવ્યા હતા. આ બે વ્યક્તિઓ પૈકી એક હતી નડિયાદ નગરપાલિકાની છેલ્લી ટર્મના પ્રમુખ દિપીકાબેન પટેલના પતિ સંજયભાઈ પટેલ અને છેલ્લી ટર્મમાં કારોબારી ચેરમેન રહી ચૂકેલાં મનિષભાઈ દેસાઈ.

નગરજનોમાં ચર્ચા મુજબ, ટર્મ પૂરી થઈ જવાને કારણે મનિષભાઈ દેસાઈ હાલમાં પૂર્વ કારોબારી ચેરમેન બની ગયાં છે, જ્યારે સંજયભાઈ પટેલ પાસે કોઈ પણ બંધારણીય હોદ્દો નથી. ત્યારે આવા સંજાેગોમાં સરકારી નાણાંનો ખર્ચ કરી થતાં કાર્યક્રમમાં ગેરબંધારણીય વ્યક્તિઓ જે અગાઉની ટર્મમાં સત્તા ભોગવનાર ભાજપ પક્ષના કાર્યકર્તાઓ છે, તેમને બેસાડવામાં આવતાં વિવાદ વકર્યો છે. વળી, આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ઈશ્વરભાઈ કે. પટેલ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત હતાં. ત્યારે સરકારી નાણાંનો ખર્ચ કરી થતાં કાર્યક્રમમાં નગરપાલિકાના આ છબરડાં પર નગરજનોમાં ખાસ્સા માછલાં ધોવાયા છે.

ઉપરથી રાજ્ય સરકારનો આદેશ હતો : ચીફ ઓફિસર

આ અંગે નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રણવભાઈ પારેખનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યુ હતું કે, આ કાર્યક્રમમાં પ્રજાના પ્રતિનિધિઓને બોલાવવા માટે સરકારનો જ આદેશ હતો, જે આદેશનું પાલન કરતાં અમે તમામ કાઉન્સિલરોને સંપર્ક કરી કાર્યક્રમમાં આવવા માટે જણાવ્યું હતું.

નગરપાલિકાને આ બે જ પ્રતિનિધિ કેમ ધ્યાનમાં આવ્યાં? અન્ય ૫૦ કાઉન્સિલરો ક્યાં છે? : કોંગ્રેસ

આ સમગ્ર બાબતે નડિયાદ કોંગ્રેસના પ્રમુખ ચિરાગ બ્રહ્મભટ્ટે આક્ષેપ કર્યો હતો કે, સરકારી કાર્યક્રમને ભાજપ પક્ષનો કાર્યક્રમ બનાવવા માટે જાણે ચીફ ઓફિસર પણ રસ લઈ રહ્યાં હોય તેમ લાગી રહ્યુ છે. નડિયાદ પાલિકાના ચીફ ઓફિસર પૂરી થઈ ગયેલી ટર્મમાં જે સત્તાધારી પેનલ હતી, તે પેનલના દબાણ હેઠળ કામ કરી રહ્યાં છે? કે પછી તેમની ટર્મ પૂરી થઈ ગઈ તે બાબતથી અજાણ છે? કે ભાજપનો પ્રચાર કરવા માટે આ કાર્યક્રમો થાય છે? મનિષભાઈ દેસાઈ તો પૂર્વ કારોબારી ચેરમેન અને પૂર્વ કાઉન્સિલર પણ છે, પરંતુ આ સંજય પટેલનો હોદ્દો શું છે? સ્ટેજ પર બેસવા માટે પ્રમુખપતિ હોવું પૂરતું છે? તેમજ જાે પ્રજાના પ્રતિનિધિઓને બોલાવ્યાં હોય તો નગરપાલિકાને આ બે જ પ્રતિનિધિ કેમ ધ્યાનમાં આવ્યાં? અન્ય ૫૦ કાઉન્સિલરો ક્યાં છે? રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી લઈ લોકતંત્રને બચાવવા માટે નડિયાદમાં ચાલી રહેલા આ ગેરબંધારણીય કાર્યો અટકાવવા માટે પગલાં લેવા જરૂરી બન્યાં છે.